રાનકૂવા,તા.૧ 

ગ્રામ પંચાયત ઘર, પંચાયત કચેરી એ ગ્રામ વિકાસનું કેન્દ્ર છે. ગ્રામજનોની આ ગ્રામ પાર્લામેન્ટમાં પ્રજાના વિકાસના કામો અને જાન હિતના વિકાસના કામોનો સુપેરે તત્કાલ નિકાલ થાય તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા આધુનિક ટેકનોલોજી વાળી પંચાયત કચેરીઓનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. ચીખલીના કુકેરી ગામે મંગળવારે રૂપિયા ૧૮ લાખના અંદાજીત ખર્ચ થી નિર્માણાધામ ગ્રામ પંચાયત કચેરીનું કોવિદ-૧૯ ની ગાઈડ લાઈનને અનુસરી સોશિયલ ડિસ્ટન્સ ની જાળવણી સાથે સાદગીથી લોકાર્પણ કરવામાં આવતા ગ્રામજનોની ખુશી બેવડાઈ હતી.આધુનિક ટેકનોલોજીવાળા પંચાયત ઘર બને અને આવી કચેરીઓમાંથી ગ્રામ વિકાસની ઉત્તમ કામગીરી થાય એ માટે કુકેરી ગામના જજૅરિત ગ્રામપંચાયતના સ્થાને નવિન પંચાયત ઘરના નિર્માણ માટે સૂચિત ૧૮ લાખની રકમ ફાળવવામાં આવી હતી અને પંચાયત કાર્યાલયને દૂધ મંડળી ના મકાનમાં દોઢ વર્ષથી સ્થળાંતર કરાયું હતું. માત્ર આઠ માસની અવધિમાં આ કાર્યને પૂર્ણ કરવામાં આવતા ગતરોજ માજી સરપંચ અમૃતસિંહ છિતુ સિંહ પરમારના હસ્તે તેમજ ધીરજસિંહ પરમાર અને ગ્રામ પંચાયતના સદસ્યોની ઉપસ્થિતિમાં સાદગીથી લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ગામના મહિલા સરપંચ સરોજબેન કલ્પેશભાઈ પટેલે જણાવ્યું કે ૧૫ મા નાણાપંચ મા જિલ્લા વિકાસની કામગીરી માટે ફાળવવામાં આવતા નાણાંનો વિકાસ કામમાં ઉપયોગથી પ્રજાહિતના કામો થઇ રહ્યા છે.સરકારની સહાયકારી યોજના અંગે દરેક લાભાર્થી યોગ્ય સમજ ગ્રામ પંચાયતમાં જ મેળવે, કુકેરી ગામની પાંચ હજારની જનસંખ્યા ધરાવતા લોકોને ગ્રામ પંચાયત ભવન થતાં હવે ગ્રામજનોને વિકાસના નવા આયામો સર કરવામાં મહત્વનો ભાગ ભજવશે.ગ્રામજનોને નવા વિકાસની દિશા પણ મળશે. ગ્રામ પંચાયત ભવનમાં ઉપરના ભાગે એક હોલ પણ બનાવવામાં આવ્યો છે જેમાં ગામના નાગરિકો બેસીને ગ્રામસભા પણ કરી શકશે.