અરવલ્લી,તા.૨૩ 

રથયાત્રા પૂર્વે પુજા વિધિ કરીને ભગવાન જગન્નાથને ચાંદીના રથમાં બિરાજમાન કરવામાં આવ્યાં હતા.મંદિરનાં પુજારી તથા સેવકો દ્વારા રથ ખેંચવામાં આવ્યો હતો. સોશિઅલ ડીસટન્સ અને માસ્ક પહેરીને રથયાત્રા નીકળી હતી. મોટી સંખ્યામાં ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો.

યાત્રાધામ શામળાજીમાં ભગવાન જગન્નાથની રથયાત્રા ભારે દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી.સવારે ભગવાન શામળીયાના મંદિરમાં શણગાર આરતી પછી ભગવાન જગન્નાથની પુજા વિધિ કરીને શંખના અને બંદૂકનાં અવાજે ભગવાનને વાજતે ગાજતે મંદિરનાં પુજારી પરેશભાઈ તથા વિનયભાઈએ ભગવાનને પાલખીમાં બિરાજમાન કર્યા બાદ ભગવાન જગન્નાથને ચાંદીના રથમાં બિરાજમાન કરવામાં આવ્યા હતાં. આષાઢી બીજના રોજ ભગવાન જગન્નાથ ભક્તોને દર્શન આપવા નગરમાં નીકળે છે. ભગવાન જગન્નાથને ચાંદીના રથમાં બિરાજમાન કરીને મંદિરનાં પુજારી તથા સેવકો દ્વારા રથને ખેંચીને મંદિર પરિસરમાં પાંચવાર પ્રદક્ષિણા કરાવીને રથને મંદિર પરિસરમાં ભગવાન શામળીયાના આગળ ભક્તોને દર્શન માટે ભગવાન જગન્નાથના રથને મુકવામાં આવ્યો હતો. રથયાત્રાનાં પાવન પર્વમાં મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. મંદિર ટ્રસ્ટ દ્વારા સરકારના આદેશ મુજબ રથયાત્રામાં વધુ ભક્તોને ઉપસ્થિત રહેવા દીધાં નહોતા. સોશિઅલ ડીસ્ટન્સ જાળવીને થોડા થોડા ભક્તોને દર્શન કરવા જવા દેવામાં આવતા હતા. માસ્ક પહેર્યા વગર આવતા ભક્તોને પ્રવેશ આપવામાં આવતો નહોતો. આ રથયાત્રાનાં પ્રસંગે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ભિલોડાના મામલતદાર રમણલાલ તથા શામળાજી પીએસઆઇ સિસોદિયા દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ભગવાન જગન્નાથની રથયાત્રાનાં દર્શન કરીને ભક્તોમાં આનંદ છલકાતો જોવા મળ્યો હતો.