રાપર, રાપર તાલુકાના ભીમદેવકા જૂથ ગ્રામ પંચાયત હેઠળ આવતી આસપાસની ૮ જેટલી વાંઢમાં અને ગામમાં છેલ્લા બે માસથી પાણીની સમસ્યા સર્જાઈ છે. ઉનાળાના દિવસોમાં પાણીની વિશેષ જરૂરિયાત રહેતી હોય છે ત્યારે અહીં પાણી મળતું બંધ થઈ જતા ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે. ગત વર્ષે કુંભારીયા પાણી યોજના દ્વારા નવી લાઈન મારફતે શરૂ થયેલું પાણી છેલ્લા બે માસથી બંધ થઈ ગયું છે. જેના કારણે સેંકડો મહિલાઓને પાણી મેળવવા રઝળપાટ કરવી પડી રહી છે.

ગામના ટાંકામાં તળિયે પડેલું પાણી લેવા મહિલાઓ ભીડ લગાવી રહી છે. પાણી સમસ્યા નિવારવા ગામના સરપંચ બાલુબેન સુરાણીએ પાણી પુરવઠા કચેરી અને સંબધિત એજન્સી સમક્ષ અનેક રજૂઆતો કરવા છતાં હજુ સુધી કોઈ ઉકેલ આવી શક્યો નથી. રાપરના ભીમદેવકા ગામમાં ગત વર્ષે અમલમાં આવેલી કુંભારીયા વોટર સપ્લાય યોજના ૮ માસ વ્યવસ્થિત ચાલ્યા બાદ હવે બે માસથી બંધ પડી ગઈ છે. જર્જરિત અને જામ થયેલી પાઈપલાઈનનું સમારકામ પણ કરવામાં આવતું નથી. આ વિશેની ફરિયાદ પાણી પુરવઠા અને સંબધિત એજન્સી સમક્ષ કરવામાં આવી હોવાનું સરપંચના પુત્ર અરવિંદ સુરાણીએ જણાવ્યું હતું. અધિકારી વર્ગનું કહેવું છે કે મોટર દ્વારા તમારા ગામને પાણી પહોંચી રહ્યું છે તો પછી પાણી જાય છે ક્યાં? એ ખબર પડતી નથી. ગ્રામલોકો હવે ગામ છોડીને હિજરત કરે તે પહેલાં પાણી સમસ્યા હલ કરવામાં આવે તે જરૂરી બન્યું હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

નાના અંગીયા પાસે પાણીના એરવાલ્વને ટ્રેલરે ટક્કર મારતા ભંગાણ થતાં મોટા પ્રમાણમાં પાણીનો બગાડ

નખત્રાણા, નખત્રાણા ભુજ હાઇવે પર નાના અંગિયાના શિવમ પાટીયા પાસેના હાઇવે નજીક પસાર થતી પાણીની મુખ્ય પાઇપ લાઈનના એરવાલ્વમાં અજાણ્યા ટ્રેલર ચાલકે અકસ્માતે ટક્કર મારતા ભંગાણ સર્જાયું હતું. જેના કારણે એરવાલ્વમાંથી હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો. ઉનાળામાં એક તરફ જિલ્લાના અનેક સ્થળે પાણીની તંગી વર્તાઈ રહી છે. તો બીજી તરફ યેનકેન આ પ્રકારે વિવિધ સ્થળે એરવાલ્વમાં ભંગાળ સર્જાતા કિંમતી પાણીનો વ્યય થઈ રહ્યો છે. નખત્રાણાથી ચારેક કિલોમીટરના અંતરે આવેલા શિવમ પાટીયા પાસે ધોરીમાર્ગ નર્મદા પાણીનું વહન કરતી પાણીની લાઈનને નુકસાન પહોંચ્યું હતું. જેના કારણે કલાકો સુધીમાં હજારો લીટર પાણી રસ્તા ઉપર વહી નીકળયા હતા અને પાણીનો બગાડ થયો હતો. કોઈ અજાણ્યા ટ્રેલરની નર્મદા લાઈનના એરવાલવમાં અથડામણ થવાથી એરવાલ્વને નુક્સાન થતાં ભંગાણ સર્જાયુ હતું. જેના કારણે પાણીનો વ્યય થયો હતો. પાણીની તંગી ભોગવતા વિસ્તારમાં પાણી માટે લોકો, પશુ , પંખીઓ તરસી રહ્યા છે. ત્યારે આ રીતે નુકસાન થવાથી અમૂલ્ય પાણીનો વેડફાટ થયો હોવાના કારણે સ્થાનિકોમાં કચવાતની લાગણી ફેલાઇ હતી. ઉલ્લેખનીય છે કે, સંબધિત તંત્ર દ્વારા કચ્છની ધોરી નસ સમી પાણીની મુખ્ય લાઈનમાં યોગ્ય સંભાળના અભાવે વારંવાર ભંગાણ સર્જાતું રહે છે અને અનેક લીટર પાણી વેડફાતું જાય છે.