વડોદરા : વડોદરા શહેરની મધ્ય આવેલ સરકારી સયાજી હોસ્પિટલમાં આજે વધુ એક નિઃસહાય વૃદ્ધ દર્દી બિનવારસી હાલતમાં વરસાદી માહોલમાં સર્જિકલ બિલ્ડિંગની ઓપીડી પાસે અર્ધનગ્ન હાલતમાં નજરે પડયો હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો. આ બનાવની જાણ શહેરની શ્રવણ સેવાભાવિ સંસ્થાની ટીમને થતાં કાર્યકર્તા હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને વૃદ્ધ દર્દીની વહારે આવ્યા હતા. આ બનાવને પગલે સયાજી હોસ્પિટલમાં દર્દીઓ પ્રત્યેની બેદરકારી અને માનવતા મરી પરવારી હોવાનો સંસ્થાના કાર્યકર્તાને અહેસાસ થઈ રહ્યો હતો. બોલવા કે ચાલવામાં અસમર્થ વૃદ્ધ દર્દીને નવા કપડાં પહેરાવી જરૂરી ચા-નાસ્તો કરાવી સારવાર માટે હોસ્પિટલના વોર્ડમાં લઈ જવામાં આવ્યા હતા. દર્દીના હાથ ઉપર દિલના નિશાન સાથે જમનાબેન લખેલ હોવાથી સંસ્થાના કાર્યકરે દર્દીના નામ-સરનામા જાણવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ દર્દીના મોઢામાં કચરો અને માટી ભરાઈ ગઈ હોવાથી તે બોલી શકતા ન હતા. સયાજી હોસ્પિટલના કેમ્પસમાં એક મહિનામાં વોર્ડની બહાર બિનવારસી અને નિઃસહાય પડેલા દર્દીનો ત્રીજાે બનાવ પ્રકાશમાં આવ્યો હતો. આ સાથે સયાજી હોસ્પિટલમાં દર્દીઓ પ્રત્યેની બેદરકારીના કિસ્સાઓ અવારનવાર પ્રકાશમાં આવી રહ્યા છે, જે સેવાભાવિ સંસ્થાના કાર્યકર્તાએ દુઃખદ બાબત ગણાવી છે.

સયાજી હોસ્પિટલમાં સારવાર માટે આવેલ એકલા વૃદ્ધ દર્દીને હાથમાં લગાવેલ ઈન્જેકશન અને બોટલ ચઢાવવા માટે લગાવેલી વેન સાથે સર્જિકલ વિભાગની બિલ્ડિંગ ઓપીડી પાસે વરસાદી માહોલમાં નિઃસહાય, બિનવારસી તેમજ અર્ધનગ્ન હાલતમાં પડેલા જાેવા મળી આવ્યા હતા. જેથી કેટલાકે શહેરની સેવાભાવિ સંસ્થા શ્રવણ સેવા ટીમને આ અંગેની જાણ કરવામાં આવતાં સંસ્થાના કાર્યકર નીરવ ઠક્કર હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને નિઃસહાય વૃદ્ધ દર્દીની વહારે આવ્યા હતા. આ દર્દીને કપડાં પહેરાવી સારવાર માટે વોર્ડમાં લઈ જવામાં આવ્યા હતા.