લુણાવાડા : વડોદરાના ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડૉ. વિનોદ રાવ આજે મહીસાગર જિલ્લાની મુલાકાતે આવી પહોંચ્યા હતા. લુણાવાડા ખાતેની જનરલ હોસ્પિટલની મુલાકાત લઇને ઉપલબ્ધ તબીબી સુવિધાઓની જાણકારી મેળવી ખૂટતી સુવિધાઓની ચકાસણી અર્થે પહોંચ્યા હતા.  

જિલ્લા વહીવટી તંત્રએ અગાઉ આરોગ્ય સચિવ જયંતિ રવિની મુલાકાત સમયે મીડીયાએ ધમણ તેમજ કોરોનાની આંકડાકીય વિસંગતતાઓ અંગે પુછેલા પ્રશ્નોના અનુભવ પરથી વિનોદ રાવની મીડિયા મુલાકાત ના થાય તેની ખાસ કાળજી રાખી હતી. જિલ્લા તંત્રના જણાવ્યા પ્રમાણે ડૉ. વિનોદ રાવે જનરલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં સારવાર લઇ રહેલા દર્દીઓ સાથે વિડિયો કોલીંગ કરીને વાતચીત કરી દર્દીઓ પાસેથી આપવામાં આવી રહેલ સારવાર અંગેની

પૃચ્છા કરતાં દર્દીઓએ પણ ખૂબ જ સંતોષ વ્યકત કર્યો હોવાનું કહ્યું હતું. આ ઉપરાંત ડૉ. રાવે હોસ્પિટલની અંદર સારવાર આપી રહેલ તબીબો અને નર્સિંગ સ્ટાફ સાથે પણ વીડિયો કોલીંગથી સંવાદ કરી દર્દીઓને આપવામાં આવી રહેલ વિવિધ સારવારની જાણકારી મેળવી હતી.

મુલાકાત દરમિયાન ડૉ. રાવે જરૂર જણાયે ઓકિસ્જન, બાયપેટ, વેન્ટીલેટર જેવી સુવિધાઓની જરૂર પડશે તો તમામ સુવિધાઓ પૂરી પાડવાની ખૂબ જ તત્પરતા દર્શાવી હતી.