આણંદ, તા.૨૧ 

સર્વત્ર ગુજરાતમાં ચોમાસાની સારી શરૂઆત થઈ છે, પરંતુ આણંદ જિલ્લામાં ખેતીલાયક વરસાદ નહીં પડવાથી ખેડૂતો લાચાર બન્યાં છે. ઉલ્લેખનીય છે કે, ભાલ પંથકના હજાર હેક્ટરમાં જમીનમાં ડાંગરનો પાક થાય છે, જેનાં માટે હાલ ખેડૂતો દ્વારા જમીનમાં ખાતર તેમજ ખેડ કરી જમીનોની સાથે મોંઘા ભાવના બિયારણો નાખી ધરૂ પણ તૈયાર કરી દીધું છે. બસ હવે તો કેનાલો પાણી છોડે અથવા ઉપરથી કુદરત વરસાદ વરસાવે તો જ ખેડૂત ડાંગરની વાવણી કરી શકે તેમ છે.

ભાલ પંથકની ભૌગોલિક પરિસ્થિતિની વાત કરવામાં આવે તો અહીં ખંભાતનો અખાત નજીક હોવાના કારણે ભૂગર્ભ જળ ખારાં છે. અહીંના ખેડૂતોએ માત્ર વરસાદ અને કેનાલોના પાણી પર નિર્ભર રહેવું પડે છે. આ અઠવાડિયામાં સિંચાઈ વિભાગ દ્વારા કેનાલોમાં પાણી નહીં છોડવામાં આવે તો મોંઘા ભાવના બિયારણ તેમજ ખાતરોનો ખર્ચ માથે પડશે. તેમાં કોઈ શંકાને સ્થાન નથી.

હાલ તો ભાલપંથકના લુણેજ, દહેડા, નવાગામવાંટા, વૈણજ, નવી આખોલ, તરકપુર, પાંદડ, વડગામ, નગરા સહિતના અનેક ગામોમાં સિંચાઈના પાણી ન મળવાની બૂમો ઉઠવા પામી છે. આ અંગે લુણેજ ગામના સરપંચ મનુભાઇ ભરવાડે જણાવ્યું હતું કે, ખંભાત તાલુકાના છેવાડાના ગામ લુણેજ ડાંગરના ધરૂ તૈયાર થઈ ગયાં છે, પરંતુ ધરૂ માટે એક પાણીની ફુલ જરૂરિયાત છે. બે દિવસમાં પાણી ન મળે તો ખેડૂતોને મોટું નુક્સાન પડે એમ છે. પાણી માટે નહેર ખાતાં અધિકારીને વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ જવાબ મળતો નથી. બે દિવસમાં પાણી ચાલું નહિ થાય તો ધરૂ બગડી જશે.