દાહોદ-

દાહોદ શહેર નજીક છાપરી ગામે બાંસવાડા હાઇવે ઉપર આઈઓસીના વાલ્વમાં પાઇપ ફીટ કરીને નજીક આવેલા ઢાબા સુધી લઇ જઇ માત્ર ત્રણ જ દિવસમાં ૧૨ હજાર લિટર ડિઝલ વગે નાખવાના કૌભાંડનો પર્દાફાશ થતાં ખળભળાટ મચી ગયો હતો. આ કૌભાંડમાં ગાંગરડી, દેલસર અને નળવાઇના યુવકોની સંડોવણી સામે આવી છે. આઈઓસીના એન્જીનિયરની ફરિયાદના આધારે દાહોદ તાલુકા પોલીસે ૭.૫૦ લાખ રૂપિયાના ડિઝલ ચોરી સહિતનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરાના કોયલીથી ઇન્ડીયન ઓઇલ કોર્પોરેશનની પાઇપ લાઇન દાહોદ તાલુકાના છાપરી થઇ ખેંગ, ઉંડાર થઇ મધ્ય પ્રદેશમાં જાય છે.

૨૩ તારીખની સવારે દાહોદ તાલુકા સાઇડની પાઇપ લાઇનમાં પ્રેશર ડ્રોપ આવતુ હોવાનું અધિકારીઓને જણાયુ હતું. કંપનીના ડેપ્યુટી જનરલ એન.કે સિન્હાએ આ બાબતની જાણ કંપનીના સિનિયર ઓપરેશન એન્ડ મેન્ટેનેન્સ એન્જીનિયર શશીકાન્ત શર્માને કરી હતી. જેથી લોકેશનના આધારે આસિ.મેનેજર સંયોગકુમાર, ડીજીઆર સુપરવાઇઝર ચીમનભાઇ તડવી તથા સિક્યુરીટી ગાર્ડ દિનુભાઇ પરમાર તપાસ કરતાં જઇ ૨૪મી તારીખે છાપરી પહોંચ્યા હતાં. ત્યાં ૈર્ંંઝ્રની પાઇપ લાઇન ઉપર નવી માટી નાખેલી જણાતા શંકા ગઇ હતી.

ત્યાર બાદ પોલીસને સાથે રાખી ખોદકામ કરાવતા આખા કૌભાંડનો પર્દાફાશ થયો હતો. આ કૃત્યમાં ગરબાડા તાલુકાના નળવાઇ ગામના સુરેશભાઇ હીરાભાઇ બામણિયા, દેલસર ગામના ડુંગરી ફળિયાના કાન્તીભાઇ ભીમાભાઇ બામણિયા અને ગાંગરડી ગામના સંજયભાઇ માનાભાઇ ડામોરની સંડોવણી હતી. વાલ્વથી માંડીને ઢાબાના અંદર સુધી પાઇપલાઇન ફીટ કરીને માત્ર ૩ દિવસમાં ૧૨ હજાર લિટર ડિઝલની ચોરી થઇ હોવાનું જણાયુ હતુ અને તેની કિંમત ૭.૫૦ લાખ રૂપિયા આંકવામાં આવી હતી. શશીકાન્ત શર્માની ફરિયાદના આધારે દાહોદ તાલુકા પોલીસે ત્રણે યુવકો સામે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.