વડોદરા, તા. ૧૮

લોકસભા ૨૦૨૪ની ચૂંટણીમાં ભાજપ દ્વારા વડોદરાના ઉમેદવાર તરીકે સાંસદ રંજનબહેન ભટ્ટને રિપીટ કરવામાં આવ્યા છે. ત્યારે કોંગ્રેસને વડોદરા માટે ઉમેદવાર જ ન મળતો હોવાનું ચિત્ર સામે આવી રહ્યું છે. કોંગ્રેસ દ્વારા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને પાદરાના પૂર્વ ધારાસભ્ય જશપાલસિંહ પઢિયારને ઉમેદવાર બનાવવામાં આવે તેવી અટકળો થઇ છે. ત્યારે કોંગ્રેસની સ્થાનિક નેતાગીરી નબળી પુરવાર થઇ રહી છે. ઉલ્લેખનીય છે કે, પાદરા વિધાનસભા મત વિસ્તારનો છોટાઉદેપુર લોકસભામાં સમાવેશ થાય છે. ત્યારે ત્યાંના પૂર્વ ધારાસભ્યને વડોદરા લોકસભાના ઉમેદવાર બનાવવા કોંગ્રેસની કથળતી સ્થિતિ દર્શાવે છે.

વડોદરા લોકસભા બેઠક પર ભાજપ દ્વારા ઉમેદવાર તરીકે સાંસદ રંજનબહેન ભટ્ટની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે રંજનબહેન ભટ્ટ દ્વારા પ્રચારની શરૂઆત પણ કરી દેવામાં આવી છે. પરંતુ કોંગ્રેસ પાસે વડોદરા બેઠક માટે ઉમેદવાર જ ન હોય તેવી સ્થિતિ ઉભી થઇ છે. કોંગ્રેસના શહેર પ્રમુખ ઋત્વિજ જાેશી, વિપક્ષ નેતા અમી રાવત, પૂર્વ પ્રમુખ નરેન્દ્ર રાવત, પૂર્વ વિપક્ષી નેતા ચંદ્રકાન્ત શ્રીવાસ્તવ લોકસભામાં ઉમેદવારી કરવામાં સક્ષમ ન હોય તેમ કોંગ્રેસ દ્વારા પાદરાના પૂર્વ ધારાસભ્યને ચૂંટણી જંગમાં ઉતારવામાં આવે તેવી શક્યતા સેવાઈ રહી છે. કોંગ્રેસના આંતરિક સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર પાદરાના પૂર્વ ધારાસભ્ય જસપાલસિંહ પઢિયારને લોકસભાના ઉમેદવાર બનાવવા પ્રદેશ કોંગ્રેસ મોવડી મંડળ તૈયાર થયું છે. ત્યારે વાત તો એ છે કે, પાદરા વિધાનસભા મત વિસ્તારનો સમાવેશ છોટાઉદેપુર લોકસભા બેઠકમાં થાય છે. તેમ છતાં જશપાલસિંહ પઢિયારને વડોદરા લોકસભા બેઠક પર ઉમેદવારી કરાવવાનું કારણ શું તે જ પ્રશ્ન મોટો છે.

કોંગ્રેસની શહેરની નેતાગીરી એટલી બધી નબળી થઇ છે કે, લોકસભામાં ઉમેદવારી કરી શકે તેમ નથી. ગત વિધાનસભાની ચૂંટણીમાં પણ વડોદરાની પાંચ બેઠક પર કોંગ્રેસના ઉમેદવારોને કારમી હારનો સામનો કર્યો હતો. જેની સામે ૨૦૧૨ની વિધાનસભા ચૂંટણીમાં જશપાલસિંહ પઢિયારે પાદરમાં બેઠક પર જીત મેળવી હતી. જયારે ગત ચૂંટણીમાં તેમને પણ હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે હાલના શહેર કોંગ્રેસની નેતાગીરી કરતા ગ્રામ્યની નેતાગીરી વધુ સક્ષમ હોવાનું પ્રદેશ કોંગ્રેસ મણિ રહી હોવાનું લાગી રહ્યું છે. તો બીજી તરફ કોંગ્રેસની સ્થાનિક નેતાગીરી સામે પણ કાર્યકરોમાં ભારે રોષ છે. જેના પગલે પણ પ્રદેશ કોંગ્રેસ દ્વારા સ્થાનિક નેતાગીરીને લોકસભામાં ટિકિટ ન આપવા મન બનાવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.