અમદાવાદ-

સરકાર દ્વારા જાહેર કરાયેલ આત્મ નિર્ભર લોન નો હવે લોકો લાભ લેતા થયા છે અને રોજગાર મેળવવા માટે પ્રયાસ ચાલુ કર્યા છે. રાજ્ય સરકાર દ્વારા લોકડાઉન દરમિયાન ગૃહઉદ્યોગો અને નાના નોકરિયાત વર્ગ માટે આત્મનિર્ભર લોન યોજના જાહેર કરી હતી. જે પૈકી યોજના એક હેઠળ રૂ.1 લાખની જ્યારે યોજના 2 હેઠળ રૂ.2.50 લાખની લોન 8 ટકા વ્યાજે જાહેર કરાય હતી. તે પૈકી યોજના 1માં 6 ટકા જ્યારે યોજના 2માં 4 ટકા રાજ્ય સરકારની વ્યાજ સબસિડી આપવામાં આવી રહી છે. ઉપરાંત પ્રથમ 6 માસ મોરેટોરિયમનો લાભ પણ આપવામાં આવે છે. શહેરની 17 કો.ઓપરેટીવ સેક્ટરની બેંકો, 1 ડિસ્ટ્રીક્ટ બેંક અને 50 ક્રેડિટ કો.ઓપરેટીવ સોસાયટીઓ મળીને કુલ 444 કરોડથી વધુની લોનનું ડિસ્બર્સમેન્ટ(ચૂકવણી) કરી દેવામાં આવી છે. આ અંગે જિલ્લા રજિસ્ટ્રાર(કો.ઓપરેટીવ) વિપુલ મહેતા જણાવે છે કે, રાજ્યમાં આત્મનિર્ભર લોન આપવામાં 33 શહેરો અને જિલ્લામાં સુરત નંબર-1 પર છે. નાના વેપારીઓ અને કારીગરો કોરોના બાદ ઝડપથી પગભર થાય તેવા હેતુ સાથે સરકારની યોજના હતી, જેને સુરત શહેર અને જિલ્લામાં સારો પ્રતિસાદ મળ્યો છે. 

સુરત જિલ્લા રજિસ્ટ્રાર પાસેથી મળતી માહિતી પ્રમાણે, સુરત 510 કરોડથી વધુની રકમની લોન અરજીઓની મંજૂરી સાથે નં.1 પર છે, જ્યારે અમદાવાદ બીજા નંબરે અને અત્યાર સુધી 497.40 કરોડ, ત્રીજા નંબરે રાજકોટ રૂ.374.27 કરોડની લોન અરજીઓને મંજૂરી કરવામાં આવી છે, જ્યારે ચોથા નંબર પર મહેસાણાનો સમાવેશ થાય છે. સૌથી ઓછી અરજીઓવાળા શહેરો અને જીલ્લાઓમાં તાપી, નર્મદા, છોટા ઉદેપુર, દેવભૂમિ દ્વારકા અને ડાંગનો સમાવેશ થાય છે. આમ સરકાર ની આ લોન નો લોકો લાભ લેતા થયા છે.