વડોદરા, તા. ૫

વડોદરાના શહેરીજનોના આરોગ્ય સાથે છડેચોક ચેડા થઇ રહ્યા હોવા છતાં કોર્પોરેશનનું આરોગ્ય તંત્ર નિષ્ફ્ળ પુરવાર થઇ રહ્યું છે. જેનો એક પુરાવા સામે આવ્યો છે. હાથીખાના વિસ્તારમાં મહિલા દ્વારા લસણની પેસ્ટ બનાવવા માટે ખુલ્લા પગે તેને ગૂંદવામાં આવી રહ્યું છે. જે વિડીયો શહેરમાં વાયરલ થયો છે. તેમ છતાં વડોદરા મ્યુનિ. કોર્પોરેશનની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા કોઈ જ તપાસ સુધ્ધાં કરવામાં આવી નથી.

વડોદરાના શહેરીજનો ખાવાના શોખીન છે. રોજ અવનવી વાનગી ટેસ્ટ કરવા માટે હોટલ કે પછી લારીઓ પર જતા જ હોય છે. તેવામાં શહેરની લારી કે હોટલમાં વપરાતી લસણની પેસ્ટ શહેરીજનોના સ્વાસ્થ્ય માટે નુકશાનકારક પુરવાર થઇ શકે છે. શહેરના હાથીખાના વિસ્તારની એક મહિલાનો વિડીયો વાયરલ થયો છે. જે વીડિયોમાં મહિલા ખુલ્લા પગે લસણ પર ચાલી રહી છે. એક વાસણમાં ફોલેલા લસણનો જથ્થો છે. જેના પર મહિલા ખુલ્લા પગે ચાલી રહી છે. જયારે તેની સાથે બેસેલી એક મહિલા ગંદા પાણીમાં ફોલેલા લસણને સાફ કરી રહી છે. આ જ લસણની પેસ્ટ શહેરની લારીઓ અને હોટલ પર જતી હોય છે. ત્યારે તે ખાવાના શોખીન શહેરીજનોના આરોગ્ય સાથે ચેડા જ છે.

જાેકે, વારે તહેવારે જ જાગતી મ્યુનિ. કોર્પોરેશની આરોગ્ય શાખાની નજરે આવા વિડીયો આવતા ન હોવાનું લાગી રહ્યું છે. તહેવાર આવે એટલે દુકાનોમાં દરોડા પાડવાના નાટક કરતી આરોગ્ય શાખા ક્યારેય મોટી હોટલમાં તપાસ કરવા ગઈ છે ખરી?