ભરૂચ, ભરૂચ એક ઔદ્યોગિક નગરી છે જેથી કંપનીઓમાં કામ અર્થે જતા કર્મીઓ પોતાની મોટરસાઈકલ, મોપેડો જેવા વાહનો કોઈક ઠેકાણે પાર્ક કરી કંપનીની બસ કે મોટરગાડીમાં બેસી જતા રહેતા હોય છે. પરિણામે કલાકો સુધી વાહનો ખુલ્લામાં રઝળતા પડ્યા હોય છે. ત્યારે આવા વાહનો ઉપર ચોરોની નજર રહેતી હોય છે અને તકનો લાભ લઇ તેમાંથી બેટરી સહિતની સામગ્રી ચોરી વેચી દેતા હોય છે. ત્યારે ઘણા સમયથી આવી ચોરીઓની બૂમ ઉઠી હતી. ભરૂચ સી-ડીવીઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. દરમિયાન મળેલ બાતમીના આધારે ઝાડેશ્વર ચોકડી વિસ્તારમાંથી ચોરીમાં ગયેલ બેટરીઓ સાથે ત્રણ ઇસમોની પોલીસ અટકાયત કરી હતી. પોલીસે ઝડપાયેલા તમામ ત્રણ ઈસમો પાસેથી ૪ જેટલી બેટરીઓ કિંમત રૂ. ૨૦ હજારની કબ્જે કરી સમગ્ર મામલે ૧) વિજય જશુ વસાવા રહે.લીમડા ફળિયું, નવા તવરા, તા. ભરૂચ ૨) વિજય અંભેસિંહ પટેલિયા રહે. ઝાડેશ્વર ચોકડી બ્રિજ નીચે ૩) રાજેશ સિંગ ઉર્ફે રાજુ દેવીલાલ સિંગ રાજપૂત રહે. ઝાડેશ્વર ચોકડી બ્રિજ નીચે નાઓની ધરપકડ કરી તેઓની સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે. કોઈ સંસ્થા દ્વારા નોકરી ધંધા અર્થે જતા લોકો માટે જાે કોઈ વાહન પાર્ક કરવાની સગવડ ઉભી કરવામાં આવે તો આવા ગુન્હાઓને થતાં અટકાવી શકાય છે.