વડોદરા, તા.૧૩

આકર્ષક વળતરની લાલચ આપી કરોડો રૂપિયા ઉઘરાવી ફરાર થઈ જનારા પૈકી ત્રણને સીઆઈડી ક્રાઈમે ઝડપી પાડયા છે. સયાજીગંજ વિસ્તારમાં મોનાલિસ કોમ્પલેક્સમાં કલ્પતરુ કસ્ટમર મેનેજમેન્ટ સર્વિસ લિમિટેડ કંપની ખોલી શહેરીજનોને ઊંચું વ્યાજ આપવાની લાલચ આપી રૂપિયા ઉઘરાવી ફુલેકુ ફેરવનાર સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી, જેની તપાસ સીઆઈડી ક્રાઈમ કરી રહી હતી. રૂ.૧૮ લાખ ઉપરાંતની છેતરપિંડીની તપાસમાં રૂ. ૧૦ કરોડ ઉપરાંતની છેતરપિંડી હોવાનું બહાર આવ્યું છે.

શહેરના સુભાનપુરા વિસ્તારમાં દશામાતાના મંદિર પાછળ રહેતા નીલેશ વિષ્ણુભાઈ અગ્રવાલે ફરિયાદ નોંધાવી હતી કે કલ્પતરુ કસ્ટમર મેનેજમેન્ટ સર્વિલ પ્રા.લિ.ની સ્કીમો સિંગલ ઈન્વેસ્ટમેન્ટ પ્લાન, એફડી, મેલ્ટ માસિક, ત્રિમાસિક, છ માસિક, વાર્ષિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન હેઠળ નાણાનું રોકાણ કરાવી સિકયુરિટી પેટે જમીન તથા પ્લોટ ફાળવવાની યોજનાઓ હતી. જેથી નીલેશ અગ્રવાલે તેમજ પિતા, ભાઈ વગેરેએ મળી જુદી જુદી સ્કીમો હેઠળ કંપનીમાં કુલ પાંચ લાખ જેટલી રકમ જમા કરાવી હતી. શરૂઆતમાં કંપની દ્વારા રોકાણકારોને આકર્ષક વળતર આપવામાં આવતું હતું. કંપનીની હેડ ઓફિસ મથુરા ખાતે હતી.

થોડા સમય વળતર આપ્યા બાદ કંપનીના સંચાલકો તેમજ કર્મચારીઓએ રાતોરાત કંપનીના શટર પાડી દઈ ભાગી છૂટયા હતા. આ અંગે સયાજીગંજ પોલીસ મથક ખાતે કંપનીના યુનિટ સિનિયર રાકેશ સરોજ તેમજ પ્રમોદ રવિદાસ, મેહુલ શર્મા, ડાયરેકટર એમ.સી.શર્મા, શ્રીકાંત મિશ્રા, બિપીન યાદવ, ભાનુપ્રસાદ સિંગ, ચેરમેન જે.કે.સિંહ સામે છેતરપિંડીની ફરિયાદ નીલેશ અગ્રવાલે નોંધાવી હતી. જેમાં પાછળથી બીજા ફરિયાદીઓ પણ સામેલ થતાં કુલ ૧૮ લાખ ઉપરાંતની છેતરપિંડીનો ગુનો નોંધાયો હતો.

લાંબા સમય સુધી આ અંગે કોઈ કાર્યવાહી નહીં થતાં બાદમાં આ છેતરપિંડીના મામલાની તપાસ સીઆઈડી ક્રાઈમને સોંપવામાં આવી હતી, જેની તપાસમાં આખો મામલો ૮ થી ૧૦ કરોડ રૂપિયાની છેતરપિંડીનો હોવાનું બહાર આવ્યું હતું. લાકડાઉનના કારણે અટકેલી તપાસમાં હવે તેજી આવતાં સીઆઈડી ક્રાઈમના પીઆઈ મહિડાએ કલ્પતરુ કંપની સાથે સંકળાયેલા વડોદરામાં રહેતા ત્રણની ધરપકડ કરી હતી. જેમાં મેહુલ વિનોદભાઈ શર્મા રહે. ન્યુ સમા રોડ, પ્રમોદ લાલુપ્રસાદ રવિદાસ રહે. કરોડિયા-બાજવા, રાકેશ કુમાર રામપ્રસાદ સરોજ રહે. બાજવાને ઝડપી પાડયા હતા. જેમને અદાલતમાં રજૂ કરાતાં આરોપીઓના પાંચ દિવસના રિમાન્ડ સીઆઈડીએ મેળવ્યા છે.

મિલકતોની તપાસ કરવા સીઆઈડી મથુરા જશે

કલ્પતરુ કસ્ટમર મેનેજમેન્ટ સર્વિસ પ્રા.લિ. કંપની સામે રૂ.૧૮ લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે પરંતુ સીઆઈડી ક્રાઈમની તપાસમાં આખો મામલો રૂ.૮ થી ૧૦ કરોડની ઠગાઈનો હોવાનું બહાર આવતાં છેતરપિંડીનો ભોગ બનેલા શહેરીજનોએ રોકાણના કાગળો સાથે સીઆઈડી ક્રાઈમની ઝોન ઓફિસ નર્મદા ભવન ખાતે આવી નિવેદન આપવા માટે જણાવ્યું છે. સીઆઈડી કંપનીનો બધો રેકોર્ડ કબજે કરવા અને મિલકતોની તપાસ કરવા મથુરા જશે એમ પણ જણાવ્યું છે.