શારજાહઃ બેન સ્ટોક્સ (Ben Stokes) પહેલા સ્ટેજમાં ટીમમાંથી બહાર છે અને કન્કશન ઈજાનો શિકાર સ્ટીવ સ્મિથ (Steve Smith)નું રમવુ શંકાસ્પદ છે. તેવામાં રાજસ્થાન રોયલ્સ માટે મંગળવારે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની પોતાની પહેલી મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ના પડકારનો સામનો કરવો મુશ્કેલ રહેશે. જોસ બટલર (Jos Buttler) પણ પ્રથમ મેચમાંથી બહાર રહેશે. 

 પાછલી સીઝનની રનર્સઅપ ચેન્નઈએ પહેલી મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સને 5 વિકેટે પરાજય આપ્યો હતો. ત્રણ વખતની વિજેતાનું પલડું રોયલ્સ વિરુદ્ધ ભારે રહેશે કારણ કે રોયલ્સની પાસે સ્ટોક્સ નથી અને ઓપનિંગ બેટ્સમેન બટલર પણ બહાર છે. સ્ટોક્સ પોતાના બીમાર પિતાનું ધ્યાન રાખવા માટે ન્યૂઝીલેન્ડમાં છે. લીગ સ્ટેજમાં તેની ગેરહાજરીથી ટીમનું સંતુલક બગડી ગયું છે. તેવામાં જો ક્રિકેટ ઓસ્ટ્રેલિયાની મેડિકલ ટીમ સ્મિથને પ્રથમ મેચ રમવાની મંજૂરી નહીં આપે તો રોયલ્સ માટે મોટો ઝટકો હશે.

રોયલ્સના પ્રદર્શનનો દારોમદાર મોટાભાગે વિદેશી ખેલાડીઓ પર છે. બોલિંગમાં ઈંગ્લેન્ડના જોફ્રા આર્ચર અને ઓસ્ટ્રેલિયાના એન્ડ્રૂ ટાય પર જવાબદારી હશે તો રન બનાવવાની જવાબદારી આફ્રિકાને ડેવિડ મિલર પર હશે. રોયલ્સમાં ભારતીય ખેલાડી સતત સારૂ પ્રદર્શન કરી શક્યા નથી. સંજૂ સેમનસ, રોબિન ઉથપ્પા, જયદેવ ઉનડકટ, વરૂણ એરોન અપેક્ષાઓ પર ખરા ઉતરવામાં નિષ્ફળ રહ્યાં છે. બીજીતરફ પહેલી મેચમાં શાનદાર પ્રદર્શનથી ચેન્નઈનો આત્મવિશ્વાસ વધ્યો છે.