વડોદરા

કોરોના કાળની વર્તમાન પરિસ્થિતિને પગલે રાજ્ય સહિત દેશભરના વેપારીઓ આર્થિક ભિંસ અનુભવી રહ્યાં છે. આવા સંજાેગોમાં રાજ્ય સરકાર દ્વારા વ્યવવસાય વેરામાં ભારેખમ વધારો કરવાની હિલચાલ કરી રહ્યુ હોવાથી સમગ્ર વડોદરા વેપાર વિકાસ એસો. દ્વારા વિરોધ કરાયો છે.આ સંદર્ભે કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ દ્વારા નાયબ મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ છે.

સમગ્ર વડોદરા વેપાર વિકાસ એસોસિએશનના હેદ્દેદારોએ સરકાર દ્વારા સુચીત વ્યવસાય વેરામાં વધારા સામે જણાવ્યુ હતુ કે,કોરોના સંક્રમણની સ્થિતિને પગલે છેલ્લાં ૧૫ મહિનાઓથી વેપાર-ધંધા પર ખૂબ માઠી અસર પહોંચી છે. વેપારીઓ હેરાન પરેશાન છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા વ્યવસાય વેરામાં વધારા સૂચવવામાં આવ્યા છે. જેમા રાજ્ય સરકાર દ્વારા ૨,૫૦,૦૦૦થી વધુનું ટર્ન ઓવર ધરાવતાં વેપારીઓ અને ૧૦,૦૦,૦૦૦થી વધુનું ટર્ન ઓવર ધરાવતાં વેપારીઓ માટે એક સરખો વ્યવસાય વેરો કરવાની હિલચાલ કરવામાં આવી છે. સમગ્ર વડોદરા વેપાર વિકાસ એસોસિયેશનના પરેશ પરીખ અને રમેશ પટેલના જણાવ્યા પ્રમાણે, વેપારીઓ હાલ અભૂતપૂર્વ મંદીનો સામનો કરી રહ્યાં છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા વ્યવસાય વેરામાં કરાયેલા સૂચિત વધારાને કોઈ કાળે સ્વિકારી શકાય નહીં.

આ સંદર્ભે કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ અને સમગ્ર વડોદરા વેપાર વિકાસ એસોસિયેશન દ્વારા નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલ ને એક આવેદન પત્ર મોકલવામાં આવ્યું છે. જેમાં વ્યવસાય વેરામાં સૂચિત વધારો નહીં કરવા માંગણી કરાઈ છે.