અમદાવાદ-

રાજ્યમાં કોરોના સંક્રમણ ઓછું થવાના કારણે ગરબા રસિકો અને વેપારીઓમાં નવરાત્રી ઉજવાશે તેવી આશા બંધાઈ છે, તો રાજ્ય સરકારે પણ મર્યાદિત સંખ્યામાં ગરબા રમવા માટેની પરવાનગી આપી છે. વેપારીઓએ નવરાત્રીને ધ્યાને રાખીને ટ્રેડિશનલ કપડાંનો વેપાર શરૂ કરી દીધો છે અને નવી વેરાયટીઓનું સારું વેચાણ થશે તેવી આશા વ્યક્ત કરી રહ્યા છે.કોરોના મહામારીમાં ગત વર્ષે નવરાત્રીમાં ગરબા રમીને ઉજવણી કરવામાં આવી નહોતી. જેના કારણે નવરાત્રિ સમયે ભાતીગળ વસ્ત્રો તથા ટ્રેડિશનલ ડ્રેસ વેચતા વેપારીઓની રોજગારી છીનવાઈ હતી, ત્યારે હાલમાં ચાલુ વર્ષે સરકારે મર્યાદિત સંખ્યામાં ગરબા રમવા માટે પરવાનગી આપતા અમદાવાદથી આવેલા વેપારીઓએ રસ્તા પર ટ્રેડિશનલ ડ્રેસ વહેંચવાનો વેપાર શરૂ કર્યો છે.


કોરોનાકાળમાં પણ ધંધો છીનવાયો હતો અને હાલમાં પણ ગ્રાહકો ખૂબ ઓછા પ્રમાણમાં આવી રહ્યા છે, ત્યારે વેપારીઓમાં આશા પણ બંધાણી છે કે હવે ગ્રાહકો આવશે અને આ વર્ષે સારો ધંધો થશે.છેલ્લાં કેટલાંક વર્ષોથી ગરબા શોખીનો પણ ભાતીગળ ફેશન તરફ વળ્યા છે. ભાતીગળ વસ્ત્રો સાથે જોડાયેલાં લોકોને રોજગારી તેમજ સન્માન મળે તે માટે પણ લોકો ખરીદી કરતા હોય છે. જેનાથી ભાતીગળ વર્ક તથા વણાટકામ સાથે જોડાયેલા લોકોને રોજગારી પ્રાપ્ત થાય છે. આજકાલનો યુવાવર્ગ પણ ભારતીય ફેશન અને ભાતીગળ ફેશનથી અવગત થઈ રહ્યો છે.


ભાતીગળ વસ્ત્રોના વેપારી મફાભાઈ પરમારે જણાવ્યું કે, છેલ્લા 20 વર્ષથી આ જ ધંધા સાથે સંકળાયેલા છીએ અને છેલ્લા 2 વર્ષથી કોરોનાને લીધે ધંધો કરી શક્યા ન હતા, પરંતુ આ વખતે સરકારની મંજૂરી મળતાં નવરાત્રિની ઉજવણી થવાની છે ત્યારે આશા છે કે ગ્રાહકો આવશે. 1500 રૂપિયાથી લઈને 3000 રૂપિયા સુધીની નવી નવી વેરાયટી લઈ આવ્યા છીએ અને ગ્રાહકો પણ નવી વેરાયટી જોઇને ખુશ થાય છે.