રાજપીપળા : ભાજપ આખરે ઘી ના ઠામાં ઘી ઠારવામાં સફળ થયું છે, ૨૯ મી ડિસેમ્બરે ૧૨ વાગ્યાની આસપાસ ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલને રાજીનામાંનો પત્ર મોકલનારા અને રાજીનામુ ન ખેંચવા મક્કમ મન મનાવી બેઠેલા ભરૂચ ભાજપ સાંસદ મનસુખ વસાવાએ ૩૦ મી ડિસેમ્બરે સવારે ૯ કલાકે જ રાજીનામુ પરત ખેંચી લીધું હતું.૨૦ કલાકના રાજકીય સ્ટંટ પછી ભાજપ સાંસદ મનસુખ વસાવા ભાજપની પટરી પર પરત ફર્યા છે. આજે સાંસદ મનસુખ વસાવા મુખ્યમંત્રી રૂપાણીને મળ્યા હતા અને તેમની સાથે ચર્ચા વિચારણા કરી હતી અને આખરે તેઓ માની ગયા હતા અને તેમને રાજીનામું પરત ખેચ્યું હતું. સીએમ સાથેની વસાવાની બેઠક પૂર્ણ થયા બાદ તેઓએ એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને તેમને ગઈકાલે આપેલું રાજીનામું પરત ખેંચ્યું હતું. મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે, સરકાર કે પક્ષ તરફથી કોઈ તકલીફ નથી. પરંતુ મારી નાદુરસ્ત તબિયતના કારણે મેં ગઈકાલે રાજીનામું આપ્યું હતું.

તેમણે જણાવ્યું હતું કે, કેન્દ્રીય નેતૃત્વએ મને સાંસદ તરીકે ચાલુ રાખવાની સૂચના આપી છે. આથી હું રાજીનામું પરત ખેંચી રહ્યો છું. હાલ ડૉક્ટરે મને ચારથી પાંચ મહિના સુધી આરામ કરવાની સલાહ આપી છે. સીએમ સાથેની બેઠકમાં મને સમજાવવામાં આવ્યું હતું કે જાે હું સાંસદ તરીકે ચાલુ રહીશ તો સરકારના ખર્ચે સારવાર ચાલતી રહેશે. એક વખત સાંસદ તરીકેથી રાજીનામું આપ્યા બાદ આવી સારવાર શક્ય નહીં બને. પાર્ટીએ મને દિલ્હીમાં સારવાર કરાવવાની પણ સલાહ આપી છે. આથી હું સાંસદ તરીકે ચાલુ રહીશ.મનસુખ વસાવાએ તેમને લવજેહાદ મુદ્દે મળેલી ધમકી વિશે પણ વિગતવાર વાત કરી હતી. તેમણે જણાવ્યું કે, હા મને ધમકી મળી છે. સાંસદ મનસુખ વસાવાને આજે મીડિયા સાથેની વાતચીતમાં તેમને લંડન, યૂપીના નંબર પરથી ધમકી ભર્યો ફોન આવ્યો હોવાની વાત જણાવીને ગુજરાતની રાજનીતિમાં ફરી ભૂકંપ લાવી દીધો છે. લંડન, યૂપીના નંબર પરથી કોઈએ ફોન કરીને લવ જેહાદ મુદ્દે ધમકી આપ્યાનો આરોપ લગાવ્યો છે. આ ઘટના બાદ સાંસદ મનસુખ વસાવાએ ભરૂચ પોલીસ વડાને જાણ કરી દીધી છે અને પોતાના ફોન નંબર પર આવેલા લંડન અને યૂપીના નંબરો પણ આપી દીધા છે. આ ઘટના બાદ તેઓ રાજ્યના ગૃહરાજ્યમંત્રીને રજૂઆત પણ કરવાના છે.

બીટીપીના છોટુ વસાવાએ કહ્યું “બાળક જીદ કરે, રડવા બેસે તો એને લોલીપોપ આપી ચૂપ કરી દેવાય

સાંસદ મનસુખ વસાવાએ રાજીનામુ પરત ખેંચવાની જાહેરાત કરતા બીટીપીનાં અધ્યક્ષ છોટુ વસાવાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ અપલોડ કરી કટાક્ષ માર્યો હતો અને લખ્યું હતું કે બાળક જીદ કરે ને રડવા બેસે તો લોલીપોપ આપી ચૂપ કરી દેવાય, આમ બંને આદિવાસી નેતાઓ સોશિયલ મીડિયા મારફતે આડકતરી રીતે છેલ્લા ૨૪ કલાકમાં છવાયેલા જાેવા મળ્યા હતા..!!