રાજકોટ, લોધિકાના દેવડા ગામના પાટિયા પાસે ગત મોડી રાત્રે બે બાઇક સામસામે અથડાતાં ત્રણ યુવાનનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં. મૃતક ત્રણેય યુવાનમાં બે મામા-ફોઇના દીકરા હતા. કાલાવડના કંઢેરા ગામમાં માતાજીના માંડવામાં ત્રણેય યુવાન જતા હતા ત્યારે દેવડા ગામના પાટિયા પાસે અકસ્માત નડ્યો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ દોડી આવી હતી. ત્રણેયના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડ્યા હતા.રાજકોટના મુંજકા ગામમાં રહેતો અને જસદણના વીરનગર ગામનો વતની હર્ષિત તુલસીભાઈ રામાણી કાલાવડ તરફ જતો હતો ત્યારે જામનગરમાં રહેતો રણછોડ ગોરધનભાઇ વાઘેલા અને મામાનો દીકરો કરસન બચુભાઇ સોલંકી સામેથી બાઇક લઇને આવતા હતા. બંને બાઇક સામસામે ધડાકાભેર અથડાતાં ત્રણેય યુવાનો ફંગોળાઇને રોડ પર પટકાયા હતા. માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતાં ત્રણેયનાં ઘટનાસ્થળે મોત નીપજ્યાં હતાં. હર્ષિત માલવિયા ચોકમાં આવેલી સિલ્વર પેલેસ હોટલમાં નોકરી કરવાની સાથોસાથ હોટલ મેનેજમેન્ટનો કોર્સ પણ કરે છે. રણછોડ કાલાવડ રોડ પરના હરિપર (પાળ) ગામે પોતાના સમાજના માતાજીનો માંડવો હોવાથી કાલાવડના ખંઢેરા ગામે રહેતા મામાના પુત્ર કરસન બચુભાઈ સોલંકી (ઉં.વ.૨૦) પાસે ગયો હતો અને તેને પોતાની બાઈક પર બેસાડી હરિપર જવા રવાના થયો હતો, ત્યારે દેવડા ગામના પાટિયા પાસે અકસ્માત નડ્યો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે, ભોગ બનનાર હર્ષિત અને રણછોડ તેનાં માતા-પિતાનો એકનો એક પુત્ર હતો, જ્યારે કરસન બે ભાઈ અને એક બહેનમાં સૌથી નાનો હતો. આ ઉપરાંત રણછોડ મજૂરીકામ કરતો હતો. પોલીસ તપાસમાં હર્ષિતનું બાઈક રોંગ સાઈડમાં આવી રહ્યું હતું.