ઝઘડિયા, ઝઘડિયાના રાજપારડી-નેત્રંગ રોડ પર આવેલ ગુંડેચા બસ સ્ટેન્ડ પાસે ઝઘડિયાના આમોદ તથા ભરૂચના ઝાડેશ્વરના બે યુવક મિત્રોની બાઇક સાથે હાઇવા ચાલકે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બંને મિત્રો ગંભીર રીતે ઘવાતા તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ઝઘડિયા તાલુકાના આમોદ ખાતે રહેતા અનિકેતકુમાર છત્રસિંહભાઈ વસાવાનાઓ તેના ઝાડેશ્વર ખાતે રહેતા મિત્ર હરનીશ કમલેશભાઈ વસાવાનાઓની બાઈક લઈ રાજપારડી નેત્રંગ રોડ પર નીકળ્યા હતા. આમોદ ગામના અનિકેતના પિતા બપોરે ઘરે હાજર હતા ત્યારે અનિકેતના મોબાઇલ પરથી તેમના પર કોઈક નો ફોન આવેલો કે રાજપારડી નેત્રંગ રોડ પર ગુંડેચા બસ સ્ટેન્ડ પાસે તમારા છોકરાઓનું ગંભીર અકસ્માત થયેલ છે. છત્રસિંહ ભાઈ તથા તેમના કુટુંબીજનો ઘટનાસ્થળે પહોંચ્યા હતા ત્યારે એક હાઇવા નીચે તેમના દીકરાના મિત્રની બાઈક કચડાયેલ હાલતમાં પડી હતી અને ટ્રકના પાછળના ભાગે અનિકેત તથા હરનીશ ઇજાગ્રસ્ત હાલતમાં પડ્યા હતા. તેમને માથાના ભાગે પગના ઘુંટણના ભાગે, મોઢાના ભાગે, હાથના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જી ટ્રકચાલક ટ્રક મૂકી ભાગી ગયો હતો. અકસ્માતમાં અનિકેત છત્રસિંહભાઈ વસાવા તથા હરનીશ કમલેશભાઈ વસાવાના ઘટનાસ્થળે જ મોત નિપજયા હતા. અકસ્માતની ઘટના બાબતે છત્રસિંહભાઈ મેલસિંગભાઈ વસાવા રહેવાસી જુના આમોદ તા. ઝઘડિયાનાઓએ હાઇવા ટ્રક ચાલક વિરુદ્ધ રાજપારડી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.