ભરૂચ, તા.૪

ગત બુધવારના રોજ દહેજ સેઝ-૨ માં આવેલ યશસ્વી રસાયન કંપનીમાં કેમિકલ પ્રોસેસ દરમિયાન મોટા ધડાકા સાથે આગ ફાટી નીકળી હતી. કંપનીમાં વધુ બેના મૃત્યુ થતાં મૃતાંક ૧૦ થયો હતો. કંપનીમાં થયેલ ધડાકાના કારણે યશસ્વી કંપની સહિત આસપાસની કંપનીઓમાં નુકશાન થવા પામ્યું છે.

 કંપનીમાં થયેલ ગમખ્વાર અકસ્માતના પગલે ૪૦ થી વધુ લોકોને નાની મોટી ઇજાઓ થવા પામી હતી. મૃતદેહોને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવ્યા હતા. જોકે સવારે બનેલ ઘટનામાં કેટલાક

મૃતદેહો કલાકો સુધી રઝળતા રહ્યા હતા. એક તરફ ભરૂચ સિવિલ હોસ્પિટલમાં મૃતદેહોને રાખવા ૬ જેટલા કોલ્ડ સ્ટોરેજ ઉભા કરાયા હતા, પણ તંત્રના સંચાલનના અભાવે ઘણા સમયથી બંધ હાલતમાં જોવા મળ્યા છે.

આવા કપરા સમયે દુર્ગંધ મારતાં મૃતદેહો કોલ્ડ સ્ટોરેજની રૂમમાં પંખા નીચે રાખવામાં આવતા મૃત વ્યક્તિઓના પરિવારજનોમાં ભારે સિવિલ હોસ્પિટલ સંચાલકો વિરુદ્ધ ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો. કરોડોની ઉભી કરાયેલ સિવિલ હોસ્પિટલના સંચાલન સામે ગંભીર પ્રશ્ન ઉભો થયો છે. બીજી તરફ હૃદય કંપાવી નાખે તેવા રુદન વચ્ચે કંપની સંચાલકોએ કેટલાક મુત કર્મીઓના પરિવારજનોને ઘટના સંદર્ભે સમજાવટના પગલે એક હોટલમાં મિટિંગોનો દોર શરૂ કર્યો હતો. આખરે તમામ મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું.

કંપનીમાં મૃત પામેલ કર્મચારીઓની યાદીઃ

૧.) મુન્નાસિંગ શિવપ્રસાદસિંગ સિંગ- ઉ.વ.૩૮ હાલ રહે. દહેજ, મૂળ બિહાર ૨.) પ્રમોદ હરગોવિંદ યાદવ ઉ.વ.૨૬, હાલ રહે દહેજ, મૂળ ઉત્તર પ્રદેશ ૩.) રશ્મીકાંત રાયચંદ ચૌહાણ, ઉ.વ. ૩૫, હાલ રહે. માંગલ્ય સોસાયટી ભરૂચ, મૂળ અમદાવાદ ૪.) સુરજલાલસિંહ બાબુરામસિંહ રાજપૂત, ઉ.વ.૩૫, હાલ રહે.દહેજ મૂળ, બિહાર ૫.) નરેશ રમણભાઈ પ્રજાપતિ. ઉ.વ-૨૭, રહે.અંડાદા, મૂળ જંબુસર ૬.) અરુણ બુધ્ધ્સેન કોરી ઉ.વ. ૧૯ હાલ રહે. ભેસલી, મૂળ મધ્યપ્રદેશ ૭.) ત્રિપુરારીકુમાર રામકુમાર રાય ઉ.વ. ૨૫, હાલ રહે.લુવારા, મૂળ બિહાર ૮.) એક અજાણ્યો ઇસમ ઉ.વ. ૩૦ થી ૪૦ વર્ષ. તેમજ ભરૂચની પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર દરમિયાન વધુ બે કર્મીઓનું મોત નીપજતાં મૃત્યુઆંક ૧૦ પર પહોંચવા પામ્યો હતો. જેમાં ૯.) હરીદર્શન ચૌધરી, ઉ.વ. ૨૦, ૧૦.) જયંત મહંતો ઉ.વ. ૨૮, મૂળ પશ્ચિમ બંગાળ.

મૃતદેહોને લાકડાની પેટીમાં પેક કરી વતન મોકલાશે

દહેજની યશસ્વી રસાયન કંપનીમાં ગમખ્વાર અકસ્માતમાં ૮ લોકો મોતને ભેટ્યા હતા. મૃતદેહોને રાજ્ય બહાર મોકલવાના હોવાથી લાડકાની પેટી તૈયાર કરવામાં આવી હતી. ત્યારે મૃતદેહોને લાકડાની બનાવેલ પેટીમાં બરફ નાખી સીલ પેક કરી રવાના કરવામાં આવી હતી. જોકે પરિવારજનોના હ્‌ર્દય કંપાવી દે તેવા આક્રંદથી સિવિલ હોસ્પિટલનું વાતવરણ ગમગીન બન્યું હતું.