શ્રીનગર-

કાશ્મીરના ઉચ્ચ પોલીસ અધિકારી વિજય કુમારે જણાવ્યું હતું કે શ્રીનગરમાં પોલીસે ટીઆરએફના વડા આતંકવાદી અબ્બાસ શેખને ઠાર કરી દીધો હતો. શ્રીનગરના આલૂચી બાગ નજીક અબ્બાસ શેખ અને તેનો સાગરિત સાકિબ મનઝૂર છુપાયા હોવાની બાતમી મળી હતી. એ પછી પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. એ વખતે અબ્બાસ અને તેના સાગરિતે પોલીસ જવાનો ઉપર ફાયરિંગ કર્યું હતું. પોલીસે પણ વળતું ફાયરિંગ કર્યું હતું. સંઘર્ષના અંતે બંને આતંકવાદીઓ માર્યા ગયા હતા. જમ્મુ-કાશ્મીરમાં પોલીસ એન્કાઉન્ટરમાં મોસ્ટ વોન્ટેડ આતંકવાદી અબ્બાસ શેખ સહિત બે ઠાર થયા હતા. આતંકવાદી સંગઠન લશ્કર-એ-તોયબાના કાશ્મીર માટે બનેલા આતંકી સંગઠન ધ રેઝિસ્ટન્સ ફોર્સ (ટીઆરએફ)નું સંચાલન અબ્બાસ શેખ કરતો હતો.

શ્રીનગરમાં તેને ઠાર કરાયો હતો. પોલીસના કહેવા પ્રમાણે શહેરમાં થયેલા કેટલાય આતંકવાદી હુમલામાં આ બંનેની સંડોવણી હતી. ટીઆરએફનું સંચાલન કરતો અબ્બાસ તો જમ્મુ-કાશ્મીર પોલીસના મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં સામેલ હતો. ગયા મહિને પણ આ જ વિસ્તારમાં રાત્રે વિચિત્ર લાઈટ્‌સ જાેવા મળતા બીએસએફના જવાનોએ ફાયરિંગ કર્યું હતું. એ પછી ડ્રોન પાકિસ્તાન તરફ જતું રહ્યું હતું. આતંકવાદીઓને ઘૂસાડવા માટે ડ્રોનની મદદથી સરહદી વિસ્તારની જાસૂસી થતી હોવાની શક્યતા પણ નિષ્ણાતોએ વ્યક્ત કરી હતી. અબ્બાસ શેખ લશ્કર-એ-તોયબા માટે કામ કરતો હતો. તોયબાએ કાશ્મીર માટે અલગ આતંકવાદી સંગઠન બનાવ્યું એ પછી તેની જવાબદારી અબ્બાસને સોંપી હતી. અબ્બાસ કેટલાય વર્ષોથી સક્રિય આતંકવાદી પ્રવૃત્તિ કરતો હતો. તે હિઝબુલ મુઝાહિદ્દીન માટે પણ આતંકવાદી પ્રવૃત્તિ કરી ચૂક્યો છે.દરમિયાન પાકિસ્તાનનું વધુ એક ડ્રોન સરહદે જાેવા મળ્યું હતું. અરનિયા સેક્ટરમાં બીએસએફના જવાનોએ એક શંકાસ્પદ જાસૂસી ડ્રોન જાેયું હતું. તુરંત એલર્ટ થયેલા જવાનોએ ડ્રોન ઉપર ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગ થતાં જ ડ્રોન પાકિસ્તાન તરફ નાસી ગયું હતું. વહેલી સવારે ડ્રોન દેખાયું એ પછી આસપાસના વિસ્તારમાં સુરક્ષાદળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. અંધારાનો લાભ લઈને એ ડ્રોન આતંકવાદીઓ માટે શસ્ત્રો કે ડ્રગ્સનો જથ્થો મૂકવા આવ્યું હોય એવી શક્યતાના પગલે આખાય વિસ્તારમાં એલર્ટ જારી કરાયો છે.