ગાંધીનગર-

ગાંધીનગરથી આજે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે ગુજરાત યુનિવર્સિટી ખાતે પ્રજ્ઞાપીઠમ GU-JIO UPSC ટ્રેનિંગ સેન્ટરનું ઇ-લોકાર્પણ કરાયું હતુ્ં. ધાર્મિક અને શૈક્ષણિક સંસ્થાના શુભ સમન્વયથી શરૂ થનાર આ નવીન UPSC તાલીમ સેન્ટરમાં દેશના શ્રેષ્ઠ વહીવટકર્તા IAS, IPS, IFS જેવા ઉચ્ચ અધિકારીઓ તૈયાર કરાશે તેમ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાત યુનિવર્સિટી ખાતે પ્રજ્ઞાપીઠમ GU-JIO UPSC ટ્રેનિંગ સેન્ટરનું ઇ-લોકાર્પણ કરતાં ગાંધીનગરથી જણાવ્યું હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે આજે ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી પ્રજ્ઞાપીઠમ GU-JIO UPSC ટ્રેનિંગ સેન્ટરનું ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. 

મુખ્યમંત્રી જણાવ્યું હતું કે, આપણે ઉપનિષદથી ઉપગ્રહ સુધીની સફળ યાત્રા પૂર્ણ કરી છે. પ્રજ્ઞાપીઠમમાં જ્ઞાનના નવા નવા આયામો અને સંશોધનો સાકાર થશે. આવિષ્કારના આ યુગમાં માનવ હિતની ચિંતા કરવી પડશે. સમાજ અને દેશ હિતમાં કામ કરે તેવા યુવાનો તૈયાર કરવા પડશે. આ નવીન UPSC સેન્ટરના માધ્યમથી જ્ઞાતિ, જાતિ, ધર્મ અને પ્રાંતથી ઉપર ઉઠીને દેશને સંસ્કારી IAS, IPS, IFS અધિકારીઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે તેમ જણાવીને મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, આવનાર પેઢી માટે સરકારી સેવામાં ઉચ્ચ કારર્કિદી બનાવવાનો આ શ્રેષ્ઠ સમય છે. ગુજરાત યુનિવર્સિટી, જૈન ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન અને રાજ્ય સરકારના સંયુક્ત પ્રયાસોથી શરૂ થયેલ આ UPSC તાલીમ સેન્ટરનું મહત્તમ લાભ લેવા યુવાનોને અનુરોધ કરીને તમામને મુખ્યમંત્રીએ શુભેચ્છાઓ પાઠવી હતી. શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, GU-JIO અને રાજ્ય સરકારના સંયુક્ત પ્રયાસોથી સ્થપાનાર આ તાલીમ સેન્ટર યુવાનો માટે લેન્ડમાર્ક સાબિત થશે. તેમણે કહ્યું હતું કે, ધાર્મિક સંસ્થા ધર્મના પ્રચાર માટે કાર્ય કરતી હોય છે પણ ઉંઈંઘએ દેશની ભાવી પેઢીની ચિંતા કરીને સંસ્કારી અને શ્રેષ્ઠ વહીવટકર્તા તૈયાર થાય તે માટે આ સેન્ટર શરૂ કર્યુ છે તે બદલ હું તમામને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. તેમણે કહ્યું હતું કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વમાં ગુજરાત સરકાર નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના અમલમાં અગ્રેસર ભૂમિકા ભજવી રહી છે. સ્ટાર્ટઅપ રેકિંગમાં પણ ગુજરાતે સતત બીજા વર્ષે પણ પ્રથમ નંબર મેળવ્યો છે. ચૂંટાયેલા પ્રતિનિધિઓ માત્ર ૧૦-૧૫ વર્ષ દેશની સેવા કરે છે જ્યારે પસંદગી પામેલા અધિકારીઓ ૨૫-૩૦ વર્ષની સેવા કરતાં હોય છે. તેઓ સમાજના લોકોની પીડા સમજશે તો ભવિષ્યમાં અધિકારી બનશે ત્યારે તેની સાચી ચિંતા કરી શકશે. આ સેન્ટરના માધ્યમથી સમાજ અને દેશને સંસ્કારી અધિકારીઓ મળશે તેવી આશા વ્યકત કરી હતી.