વાપી-

GIDCમાં આવેલી શક્તિ બાયો સાયન્સ નામની કંપનીમાં ભીષણ આગ ભભૂકી ઉઠતા અફરાતફરી મચી હતી અને આસપાસનો વિસ્તાર કોર્ડન કરી ખાલી કરાવવો પડ્યો હતો. આગની ઘટના અંગે વાપી ઇમર્જન્સી કન્ટ્રોલ સેન્ટર (VECC)ના ઇન્ચાર્જ એસ. એસ. પટેલે આપેલી વિગતો મુજબ સવા અગિયાર વાગ્યે કંપનીમાં આગ લાગી હતી. જે બાદ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી હતી. જો કે, આગનું સ્વરૂપ ખૂબ જ વિકરાળ હોય બહારથી જ પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.

મળતી માહિતી મુજબ આ કંપની વર્ષોથી બંધ હતી. જેને અન્ય ઉદ્યોગપતિએ ખરીદી કરી તેમાં ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટ બનાવવા માટે રીનોવેશનની કામગીરી હાથ ધરી હતી. એ અરસામાં શનિવારે 11 વાગ્યે બીજા માળે અગમ્ય કારણોસર આગ ભભૂકી ઉઠી હતી. કંપનીમાં મોટા પ્રમાણમાં સોલ્વન્ટ કેમિકલ હતું. જે જ્વલનશીલ હોય છે, આગની જ્વાળાની ઝપેટમાં આવ્યા બાદ કંપનીને વિકરાળ આગની ઝપેટમાં આવી હતી.