વડોદરા : બોગસ માર્કશિટ કૌભાંડમાં કરોડો રૂપિયા કમાયા બાદ પ્રતિબંધિત બિટકોઈનના વ્યવસાયમાં ઝંપલાવતાં વિક્કી સરદારને પીસીબીએ ઝડપી પાડયા બાદ પેટમાં દુઃખાવાની ફરિયાદના બહાને સયાજી હોસ્પિટલમાં દાખલ થઈ ગયો છે. પોલીસનો ખાસ માનીતો કહેવાતો વિક્કી સરદાર બોગસ માર્કશિટ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર હોવાનું બહાર આવ્યા બાદ પીસીબીએ રાજસ્થાનના ઉદયપુરથી ઝડપી પાડયો હતો. પીસીબીની પૂછપરછથી બચવા માટે વિક્કી સરદારે પેટમાં દુઃખાવાની ફરિયાદના બહારનું કાઢયું હતંુ અને સયાજી હોસ્પિટલમાં દાખલ થઈ ગયો હતો. દરમિયાન રવિવારે બપોરથી જ સયાજી હોસ્પિટલ ખાતે વિક્કી સરદારને મળવા શહેરભરના ભાઈલોગ અને માથાભારે અસામાજિક તત્ત્વો પહોંચ્યા હતા અને રજનીશ વાલિયાએ ગોઠવણ કરી હોવાનું કહેવાય છે. મેઘાલયના શિલોંગની વિલિયમ કેરી યુનિવર્સિટીના બોગસ સર્ટિફિકેટ તેમજ બોગસ માર્કશિટો વેચવાન આંતરરાજ્ય કૌભાંડમાં રાજસ્થાનના ઉદયપુરથી ઝડપાયેલા માસ્ટર માઈન્ડ સુખપાલસિંગ વાલાની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે સુખપાલ આ યુનિવર્સિટીનો ડાયરેકટર હોવાનો પણ ખુલાસો થયો છે. જ્યારે પોલીસની તપાસમાં યુનિવર્સિટીના બે ડાયરેકટરો વિજય દિનેશચંદ્ર અગ્રવાલ અને જિતેન્દ્ર રામચંદ્ર યાદવનું નામ પણ બોગસ માર્કશિટ કૌભાંડમાં ખૂલવા પામ્યું છે. વિજય અગ્રવાલ અને જિતેન્દ્ર યાદવ પહેલાંથી જ વિલિયમ કેરી યુનિવર્સિટી સાથે ઘણાં સમયથી જાેડાયેલા છે, જ્યારે તેનો બોગસ માર્કશિટ કૌભાંડમાં શું રોલ છે તે અંગે તપાસ કરવામાં આવશે. પોલીસસૂત્રોના જણાવ્યા મુજબ શિલોંગની યુનિવર્સિટીના રજિસ્ટ્રેશન અંગે વેબસાઈટ પર તપાસ કરતાં વર્ષ ર૦ર૦ના ઓગસ્ટ મહિના સુધી વિલિયમ કેરી યુનિવર્સિટીમાં વિજય અગ્રવાલ (રહે. ટીપી-૧૩, છાણી જકાતનાકા), સુખપાલસિંગ અને જિતેન્દ્ર રામચંદ્ર યાદવ ઉર્ફે જિતુ (રહે. ખોડિયારનગર, ન્યુ વીઆઈપી રોડ) ડાયરેકટર હોવાનું જાણવા મળ્યું હતું. જ્યારે વિજય તેમજ જિતુ પણ બોગસ માર્કશિટ સર્ટિફિકેટ પધરાવવાના આંતરરાજ્ય કૌભાંડમાં સંડોવાયેલા હોવાનું પોલીસતપાસમાં બહાર આવ્યું છે. જાે કે, જિતેન્દ્ર યાદવ હાલ પોલીની પકડથી દૂર છે ત્યારે બંને આરોપીઓને પોલીસ ક્યારે પૂછપરછ માટે ધરપકડ કરશે તે જાેવાનું રહ્યું! બીજી તરફ બોગસ માર્કશિટ કૌભાંડના રેહાન સિદ્દીકી (રહે. યોગીકુટિર, તાંદલજા) અને કબીર બાદશાહ (રહે. મોગલવાડા)ના રિમાન્ડ પૂરા થતાં તેમને જેલમાં મોકલી આપ્યા છે.