વડોદરા, વ્રજરાજકુમારજીના પ્રાગટય ઉત્સવે હજારો ભાવિકજનો સાબરમતી રિવર ફ્રન્ટ ખાતે ઉમટયા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણી સહિત ઉદ્યોગજગતના અનેક અગ્રણીઓ સામેલ થયા હતા. વિશ્વભરમાં યુવાનો અને બાળકોમાં ભારતીય સંસ્કૃતિના સંસ્કારો સિંચિત કરવા તત્પર જગદ્‌ગુરુ શ્રીમદ્‌ વલ્લભાચાર્યજી મહાપ્રભુજીની ૧૮મી પેઢીના વંશજ વલ્લભકુલભૂષણ વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારજી મહોદયના ૩૬મા મંગલ જન્મદિનની ભવ્ય ઉજવણી સાબરમતી રિવર ફ્રન્ટ ખાતે સંપન્ન થઈ હતી જેમાં હજારો ભાવિકો ઉમટી પડયા હતા. સાબરમતી રિવર ફ્રન્ટ ખાતે વિશાળ આયોજનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી ઉપસ્થિત રહ્યા હતા. વ્રજરાજકુમારના ૩૬મા મંગલ પ્રાગટય ઉત્સવ મુખ્યમંત્રીએ પ્રેરણાથી સાકાર થતા દિવ્ય સમાજ અને માનવતા સમર્પિત કાર્યોને આવકાર્યા હતા. તેમની જીવનયાત્રાને મુખ્યમંત્રીએ આવકારીને એમની ધર્મસેવા સાથે રાષ્ટ્રસેવા, સમાજસેવા, માનવસેવા અને યુવા જાગૃતિના કાર્યોમાં પ્રતિબદ્ધતાથી સમાજ કાર્યરત બને એવા ભાવ પણ વ્યક્ત કર્યા હતા.

આ પ્રસંગે સંગીતકાર અને ગાયક સચિન લિમયે-અશીતા અને કાવ્ય લિમયે દ્વારા કૃષ્ણભક્તિની રમઝટ બોલાવી હતી અને કવિ અંકિત ત્રિવેદીએ સૌને રસતરબોળ કર્યા હતા. ઉદ્યોગજગતના આશિષભાઈ, શૈલેષ પટવારી, ત્રિકમભાઈ પરીખ, જગદીશભાઈ કાબરા, સમસ્ત વૈષ્ણવ વણિક પરિવારના પ્રમુખ કિરીટ શાહ અને મહામંત્રી દક્ષેશ શાહ જાેડાયા હતા. મંગલ આશીર્વચન દરમિયાન યુવાનોને આપણી અમૂલ્ય ધરોહર એવી ભારતીય સંસ્કૃતિના રક્ષણ અને સંરક્ષણ માટે પ્રતિબદ્ધ થવા આહ્‌વાન કર્યું હતું. તેઓએ બાળકો અને યુવાનોને ધર્મ સંસ્કારોથી જાેડી રાખવા બનતા તમામ પ્રયત્ન સૌએ મળીને કરવા જાેઈએ એવી લાગણી વ્યક્ત કરી હતી. ધર્મસેવાના સુગમ સંસ્કારો સાથે સમાજના જે વર્ગને જરૂરિયાત છે, નબળો છે, નિઃસહાય છે એવા તમામને ટેકો કરીને મજબૂત કરવાના છે. કારણ કે, રાષ્ટ્રસેવા પણ આપણા પરમ કર્તવ્યમાં આવે છે.