ઝઘડીયા, ભરૂચ જિલ્લાનાં ઝઘડિયા તાલુકામાં વર્ષોથી ભાજપા સત્તાથી દૂર રહ્યો હતો. તાલુકા પંચાયતમાં વર્ષોથી છોટુભાઈ વસાવા સમર્થિત પક્ષ સત્તામાં રહ્યો હતો. જાેકે તાજેતરમાં યોજાઇ ગયેલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પરિણામો આવતા ઠેર ઠેર ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય વિજય પ્રાપ્ત કર્યો છે. ભાજપા છાવણીમાં આનંદનું મોજું ફેલાયું છે. ચૂંટણીઓ અગાઉ ઝઘડિયા તાલુકાના બીટીપી અગ્રણીઓ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ રીતેશભાઇ વસાવા અને પૂર્વ ઉપપ્રમુખ પ્રકાશભાઈ દેશાઈ સહિત તેમના નેતૃત્વ હેઠળ તાલુકાના બીટીપી કાર્યકરો મોટી સંખ્યામાં ભાજપામાં જાેડાયાં હતાં. ભારતીય ટ્રાયબલ પાર્ટીના આ બંન્ને ધુરંધર નેતાઓ અને તેમના ટેકેદારોએ એકસાથે રીતસર ભાજપાનો ખેસ પહેરી લેતાં તે જ સમયથી ઝઘડિયા તાલુકામાં નવા રાજકીય સમીકરણો મંડાયાં હતાં. દરમ્યાન ભાજપાના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે ઝઘડિયાના વિજેતા ઉમેદવારો સાથે સુરત મુકામે શુભેચ્છા બેઠક યોજી હતી.

સુરત મુકામે પ્રદેશ પ્રમુખના કાર્યાલય ખાતે યોજાયેલ આ બેઠકમાં ઝઘડીયાના વિજેતા ઉમેદવારોને પ્રદેશ પ્રમુખે અભિનંદન આપ્યાં હતા. અત્રે પ્રદેશ પ્રમુખ સાથેની શુભેચ્છા મુલાકાતની આ બેઠકમાં માજી તાલુકા પ્રમુખ અને તાલુકાની બામલ્લા બેઠક પરથી વિજય મેળવનાર રીતેશ વસાવા, માજી તાલુકા ઉપપ્રમુખ અને તાલુકાની પાણેથા બેઠક પરથી જીત મેળવનાર પ્રકાશભાઈ દેસાઈ, જિલ્લા પંચાયતના વિજયી ઉમેદવાર મહેન્દ્રસિંહ વાંસદિયા, ઝઘડીયા એપીએમસીના ચેરમેન દિપક પટેલ, ગુજરાત રાજય યુવક બોર્ડના ઝઘડિયા તાલુકા સંયોજક હિરલ પટેલ તેમજ ભાજપા અગ્રણી અતુલ પટેલ અને સી.ડી પટેલ સહિત અન્ય કાર્યકરો તેમજ તાલુકાના વિજયી ઉમેદવારો ઉપસ્થિત રહ્યાં હતાં.