આણંદ : આણંદ પાલિકામાં શાસકોના રાજમાં વિરોધ કરનારાઓના વિસ્તારમાં સુવિધા આપવામાં ઉપેક્ષા કરવામાં આવતી હતી, પણ હવે પાલિકામાં વહિવટદારના શાસન હોવા છતાં ઉપેક્ષા યથાવત રહેવા પામી છે. શહેરના સો ફૂટ માર્ગ નજીકના ગંગદેવ વિસ્તારમાં છેલ્લાં દસ દિવસથી પાઇપલાઇન અંતર્ગત ખોદવામાં આવેલાં ખાડા ઇજારદારની લાલીયાવાડી અને તંત્રની અણઆવડતને કારણે લોકો માટે મોતના કૂવા જેવાં બની ગયાં છે. હાલ ખાડાનું પુરાણ કરવામાં ન આવતાં અહીંતી પસાર થતાં વૃદ્ધો સહિત અન્ય માટે જાેખમકારક બન્યાં છે. નવાઈની વાત તો એ છે કે, હાલમાં પાલિકાની ચૂંટણી નજીક હોવાથી અહીં પ્રચાર કરવા આવતાં નેતાઓ પણ ધ્રૃતરાષ્ટ બની ગયાં હોવાથી સ્થાનિકોમાં રોષની લાગણી ઊભી થવા પામી છે.