બેંગલુરુ- 

લોકડાઉન દરમિયાન નડી ગયેલી ભારે મંદીથી ગળે આવી ગયેલા યુવાનોને વાંચીને મોજ પડી જાય એવા એક સમાચાર ભારતની અને દુનિયાની આઈટી કંપનીઓ થકી મળી રહ્યા છે. આગામી વર્ષ એટલે કે વર્ષ ૨૦૨૧-૨૨ દરમિયાન પોતાને ત્યાં નોકરીઓમાં ભરતી કરવા માટે આઈટી ક્ષેત્રની મોટું નામ ધરાવતી કંપનીઓ જેવી કે, એચસીએલ ટ્‌કનોલોજીઝ, ટીસીએસ, વિપ્રો અને ઈન્ફોસિસે એકંદરે ૯૧૦૦૦ જેટલા યુવાન આઈટી સેક્ટરના સ્નાતકોને લેવાનું આયોજન કરી નાંખ્યું છે અને આ સંખ્યા ગયા વર્ષ કરતાં વધારે છે.

ચાલુ વર્ષ દરમિયાન કોરોના મહામારી શરુ થઈ એ પહેલાં આ કંપનીઓએ પોતાને ત્યાં ઉમેદવારોને નોકરીએ રાખ્યા હતા અને કેમ્પસ ઈન્ટવ્ર્યુ દરમિયાન તેમને જે ઓફર કરી હતી તે નિભાવી પણ હતી, ભલે તેમાં થોડો વિલંબ થયો હશે.

ટીસીએસ કંપનીના એક્ઝીક્યુટીવ વાઈસ પ્રેસિડેન્ટ અને ગ્લોબલ એચઆર મિલિન્દ લક્કડે કહ્યું હતું કે, કંપનીએ ગયા વર્ષે જેટલા લોકોને નોકરીએ લીધા હતા એટલા જ લોકોને આ વર્ષે પણ નોકરીએ રાખશે એટલે કે, ૪૦,૦૦૦ ફ્રેશર્સને કંપની રોજગારની તક આપશે.

જ્યારે ઈન્ફોસિસે કહ્યું હતું કે, ચાલુ નાણાંકીય વર્ષમાં તે ૨૪,૦૦૦ જેટલા કોલેજ સ્નાતકોને નોકરીની તકો આપવા જઈ રહ્યું છે. આ કંપનીએ ચાલુ વર્ષે માત્ર ૧૫,૦૦૦ જેટલા ફ્રેશર્સને તકો આપી હતી.

એચસીએલ ટેકનોલોજીના ચીફ એચઆર અપ્પારાવ વીવીએ તેમની કંપનીમાં વધેલી રોજગારની તકો બાબતે કહ્યું હતું કે અમે લોકો અમારી ક્ષમતા કરતાં ૩૩ ટકા વધારે કરી રહ્યા છીએ, અને આગામી ત્રીજા થી ચોથા ત્રિમાસિક સમયગાળામાં વધારે કામ ઊભું થવાની શક્યતાઓ છે. વળતરને લગતી સમસ્યાઓ, વિઝાની સમસ્યાઓને પગલે અન્ય કેટલાંક દેશોમાં વધુ ઉમેદવારો ઉપલબ્ધ ન હોવાને લીધે ભારત પર પસંદગી ઉતરે છે. ગયા વર્ષે ભારત અને તેની બહાર અમે આપેલી રોજગારની તકો ૭૦-૩૦ હતી જ્યારે આ વખતે એ લગભગ ૯૦-૧૦ રહેશે એટલે કે ગયા વર્ષની સરખામણીએ ઘણી વધારે હશે.

આ જ રીતે ઈન્ફોસિસ અને વિપ્રો જેવી કંપનીઓને પણ મોટા પ્રમાણમાં જર્મની સહિતના દેશોમાંથી ઓર્ડર્સ મળ્યા હોવાને પગલે તેમની પાસે એટલું કામ છે, જેને પહોંચી વળવા માટે ચાલુ વર્ષે તેઓ વધારે પ્રમાણમાં ફ્રેશર ઉમેદવારોને પોતાને ત્યાં નોકરીએ રાખશે.