વડોદરા : સમગ્ર રાજ્યને હચમચાવી નાખનાર હોડી દુર્ઘટનામાં શાળાના ૧ર માસૂમ બાળકો અને બે શિક્ષિકાઓ સહિત ૧૪નો ભોગ લીધો છે. ત્યારે ટેન્ડરપ્રક્રિયાની શરતોમાં પાલિકાના ફ્યુચરિસ્ટિક પ્લાનિંગ સેલ દ્વારા શરતોમાં સુરક્ષાના મુદ્‌ાને માત્ર વળતર સાથે જાેડી કોન્ટ્રાક્ટરે ક્વોલિફાઈડ, ટ્રેઈની સ્ટાફ રાખવો તેવો ઉલ્લેખ તો કર્યો, પરંતુ સુરક્ષાની ચકાસણી કોણ કરશે તેની કોઈ જ જવાબદારી નક્કી કરાઈ નહીં. તો શું મંજૂરી આપનાર પાલિકાતંત્રના અધિકારીઓની જવાબદારી નહીં? તેવી ચર્ચા હવે થઈ રહી છે.

વડોદરા કોર્પોેરેશનના ફ્યુચરિસ્ટિક પ્લાનિંગ સેલ દ્વારા હરણી મોટનાથ તળાવને પીપીપી મોડેલથી ડેવલોપ કરવા એક્સપ્રેશન ઓફ ઈન્ટરેસ્ટ સપ્ટેમ્બર, ૨૦૧૬ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવ્યો. તેમાં બે સંસ્થાએ રસ બતાવ્યો, પરંતુ બંને સંસ્થા ક્વોલિફાય થઈ શકે તેમ ન હતી. તેમાં મે. કોટિયા પ્રોજેક્ટ માટે સ્પષ્ટ કહેવાયું હતું કે, આ સંસ્થા નવી અસ્તિત્વમાં આવી છે, તેનું કોઈ ટર્નઓવર નથી. તેઓએ કન્સલ્ટિંગ ફર્મ રાખી છે તેમ જણાવ્યું હતું. પરંતુ તેની કોઈ માહિતી પાલિકામાં રજૂ કરી ન હતી. જેથી પ્રથમ વખત ઈઓઆઈ રદ કરવામાં આવ્યું.

પરંતુ બીજી વખત ઈઓઆઈ રિ-ઈન્વાઈટ કરાતાં તેમાં પણ આ બે ડેવલોપર્સના ઈઓઆઈ આવ્યા હતા અને પ્રિક્વોલિફિકેશન બાદ મે. કોટિયા પ્રોજેક્ટને ક્વોલિફાય કરવામાં આવ્યો હતો. આમ બે મહિના પૂર્વે ડિસ્ક્વોલિફાય કરાયેલા તેને બીજી વખત ક્વોલિફાય કરી ૩૦ વર્ષ માટે તળાવના ડેવલોપમેન્ટ કરવાનું કામ મંજૂર કરી દેવામાં આવ્યું.

જાે કે, પીપીપી મોડેલથી હરણી લેક ઝોનનું કામ તો સોંપવામાં આવ્યું પરંતુ ઈઓઆઈની શરતોમાં અને ત્યાર પછી કરવામાં આવેલા કરારમાં સુરક્ષાવ્યવસ્થાને માત્ર વળતર સાથે જાેડી દઈને લાઈસન્સ તેમજ પરવાનગી વિવિધ એક્ટિવિટી માટે સંબંધિત ઓથોરિટી પાસે મેળવવાની જવાબદારી ડેવલોપરને સોંપી દીધી. પરંતુ યોગ્ય સુરક્ષાવ્યવસ્થા, બોટિંગ સહિત વિવિધ પ્રવૃત્તિઓ માટે ટ્રેઈની સ્ટાફ, લાઈફ ગાર્ડ, સુરક્ષાના સાધનો વગેરે છે કે કેમ? તેની સમયાંતરે સુપરવિઝનની જવાબદારી નક્કી ના કરાઈ. ઉપરાંત સ્થળ પર બાળકોના ચિલ્ડ્રન પ્લે એરિયામાં રાખવામાં આવેલા રમતગમતના સાધનો, બોટની કન્ડિશન, જે યોગ્ય છે કે કેમ? સમયાંતરે તેનું મેઈન્ટેનન્સ થાય છે કે કેમ? વગેરે જાેવાની જવાબદારી કોની? શું પાલિકાતંત્રના ફ્યુચરિસ્ટિક પ્લાનિંગ સેલની જવાબદારી માત્ર ટેન્ડર કરવાની હતી? આ ગોઝારી ઘટનામાં કોન્ટ્રાકટરની સાથે મંજૂરી આપનાર પાલિકાના જે તે સમયના અને ત્યાર બાદ ટેન્ડરની શરતો મુજબ, ઉપરાંત સુરક્ષાવ્યવસ્થાના પૂરતા સાધનો સાથે કોન્ટ્રાકટર દ્વારા તમામ પ્રવૃત્તિઓ ચલાવવામાં આવે છે કે કેમ? તે જાેવાની જવાબદારી ફ્યુચરિસ્ટિક સેલના કાર્યપાલક ઈજનેર, ડે. કમિશનર અને મ્યુનિ. કમિશનરની નહીં? તેવી ચર્ચાઓ હવે પાલિકા વર્તુળોમાં થવાની સાથે એકબીજા વિભાગો પર જવાબદારી નાખવાની શરૂઆત પણ શરૂ થઈ છે.

ચૂંટાયેલી પાંખે પણ સુરક્ષાની શરતો મૂકવાની ચિંતા ન કરી?

કોર્પોરેશનમાં કોઈપણ કામ તે પીપીપી મોડેલથી હોય કે કોન્ટ્રાક્ટથી કરવાનું હોય વહીવટીતંત્ર દ્વારા ટેન્ડરપ્રક્રભિયા બાદ મંજૂરી માટે દરખાસ્ત સ્થાયી સમિતિના માધ્યમથી સામાન્યસભામાં મંજૂરી માટે મોકલવામાં આવે છે, ત્યારે જેમને લોકો શહેરના ટ્રસ્ટી બનીને બેસાડવામાં આવ્યા તે ચૂંટાયેલા પ્રતિનિધિઓએ હરણી લેક ઝોનમાં બોટિંગ, એન્ટરટેનમેન્ટ સહિત શરૂ કરવાનું હતું. નાગરિકોની સુરક્ષા માટે શરતો મૂકવાની ચિંતા વ્યક્ત ન કરી તેવી ચર્ચા પણ હવે લોકોમાં થઈ રહી છે.

દુકાનો અંદરના બદલે બહાર પણ બનાવીને શરતોનું ઉલ્લંઘન!

લેક ઝોન ખાતે અંદરની તરફ લેન્ડસ્કેપ સિટીંગ સાથે ર૦ દુકાનોની મંજૂરી આપવામાં આવી હતી. જેથી લોકો તળાવના કિનારે બેસીને ફૂડની મજા માણી શકે, પરંતુ લેક ઝોન ખાતે બનાવેલી દુકાનો પૈકી અંદરની તરફ બનાવવાની સાથે રોડ તરફ પણ કેટલીક દુકાનો બનાવીને શરતોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે.

પ્રેઝન્ટેશનમાં બતાવ્યું તેના કરતાં વધુ પ્રવૃત્તિ શરૂ કરાઈ !

હરણી મોટનાથ લેક ઝોન પીપીપી મોડેલથી ડેવલોપ કરવા માટે જે પ્રેઝન્ટેશનમાં બતાવ્યું તેના કરતાં વધુ વસ્તુઓ બતાવી જેમાં જીપલાઈન, રોપલાઈન, પર્ફોર્મિંગ સ્ટેજ, એટલું જ નહીં એક્ઝિબિશન હોલ પણ બનાવી ભાડે આપે છે. તેના ટેરેસ ઉપર પણ કોઈ ફેસિલિટી ઊભી કરીને આવક મેળવવામાં આવે છે. આમ આ ટેન્ડરની શરતોનું ઉલ્લંઘન થયાના આક્ષેપો અગાઉ થયા હતા.

લેક ઝોનમાં સર્જાયેલા હોડીકાંડમાં હાઈકોર્ટમાં સુઓમોટો દાખલ કરાઈ

હરણીના મોટનાથ તળાવ સ્થિત લેકઝોનમાં ગત ૧૮ જાન્યુઆરીએ બોટ ડુબી જવાની દુર્ઘટનામાં ૧૨ ભુલકા અને ૨ શિક્ષિકાના મોત થવાના ચકચારભર્યા બનાવમાં આખરે હાઈકોર્ટેમાં સુઓમોટો પિટિશન દાખલ કરાઈ છે. ચીફ જજ સુનિતા અગ્રવાલ અને જજ અનિરૂદ્ધ માયીનીની બેન્ચ દ્વારા સુઓમોટો દાખલ કરવામાં આવી છે. રાજ્યના ગૃહ વિભાગના સેક્રેટરીને એક્શન ટેકન રિપોર્ટ રજૂ કરવા આદેશ કર્યો છે. ત્યારે આ મામલે ૨૯ જાન્યુઆરીના વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ એસોસિએશનના પ્રમુખ બ્રિજેશ ત્રિવેદીએ ઘટના અંગે સુઓમોટો લેવા કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી. કોર્ટે સમાચાર સંસ્થાઓના અહેવાલને ટાંકીને સુઓમોટો દાખલ કરી છે. ઘટનામાં વાઘોડિયાની ન્યૂ સનરાઇઝ સ્કૂલના ૧૨ વિદ્યાર્થી અને ૨ શિક્ષિકાનું હરણી તળાવમાં ડૂબી જવાથી મોત થયું હતું. ૮૨ જેટલા વિદ્યાર્થીઓ શાળાના પ્રવાસે ગયા હતા. બાળકોને પિકનીક પુરી થતાં લેકઝોનના ઘરે પરત લઈ જતી વોટરપાર્કથી ત્રણ ફેરા મારીને કિનારે છોડાયા હતા અને બપોરે સાડા ચાર વાગ્યાના અરસામાં અને છેલ્લા ફેરામાં ૧૬ લોકોની કેપેસિટીવાળી બોટમાં ૨૭ લોકોને બેસાડીને લઈ જવાતા હતા તે સમયે આ દુર્ઘટના સર્જાઈ હતી.

‘લોકસત્તા-જનસત્તા’ મુજબ શું થવુું જાેઈતું હતું?

હરણી મોટનાથ લેક ઝોનમાં બોટિંગની શરૂઆત થઈ ત્યારે કોન્ટ્રાકર પાસે બોટ, ડ્રાઈવરના ફિટનેસ સર્ટિફિકેટ ના લીધા. જાે કોર્પોરેશન પાસે ફ્યુચરિસ્ટિક પ્લાનિંગ સેલે એગ્રિમેન્ટ કરતી વખતે જાે પાલિકામાં આ વિષયનો કોઈ તજજ્ઞ ના હોય તો ખાનગી કન્સલ્ટન્સી કે ફાયર વિભાગની મદદ લઈને આ કરી શકાયું હોત.

દેખાડાની કમિટી શું કામગીરી કરશે?

હરણી મોટનાથ તળાવની ગોઝારી હોડી દુર્ઘટના બાદ કોર્પોરેશનના વિવિધ પ્રોજેક્ટના કોન્ટ્રાક્ટ તેમજ પીપીપી મોડેલથી ખાનગી સંસ્થા કે કોન્ટ્રાકટર દ્વારા ચલાવાતા એમ્યુઝમેન્ટ પાર્ક સહિતમાં ચલાવાતા ઈક્વિપમેન્ટની કાર્યક્ષમતા, સ્ટ્રેન્થ, સ્ટેબિલિટી વગેરેની ચકાસણી માટે મ્યુનિ. કમિશનરે કમિટી બનાવી, પરંતુ આ કમિટીમાં સમાવેશ સાત એન્જિનિયરોમાં ટીડીઓ, ત્રણ કાર્યપાલક ઈજનેર, બે હંગામી કાર્યપાલક ઈજનેર અને એન્વાર્મેન્ટ એન્જિનિયરનો સમાવેશ થાય છે. આ અધિકારીઓ હાલ ફ્યુચરિસ્ટિક પ્લાનિંગ, ડ્રેનેજ, પાણી, સોલિડ વેસ્ટ, સ્ટ્રીટલાઈટ અને ટાઉન પ્લાનિંગનો કાર્યભાર સંભાળે છે. સાત પૈકી પાંચ સિવિલ એન્જિનિયર એક ઈલેક્ટ્રિકલ અને એક એન્વાર્મેન્ટ એન્જિનિયર છે. ત્યારે સિટી એન્જિનિયર સ્ટ્રકચર એન્જિનિયર છે તેમનો તેમજ ફાયર વિભાગનો કોઈનો સમાવેશ કરવામાં આવ્યો નથી. તો શું દેખાડા પૂરતી બનાવેલી આ કમિટીની શું કામગીરી કરશે? તેવી ચર્ચા પાલિકાની લૉબીમાં જ થઈ રહી છે.

મ્યુનિ. કમિશનરે ફાયર ઓફિસર સાથે હરણી લેક ઝોનની મુલાકાત લઈ તપાસ કરી

હરણી મોટનાથ લેક ઝોન ખાતે ગોઝારી હોડી દુર્ઘટનાની ઘટના બાદ કોર્પોરેશન દ્વારા કોન્ટ્રાક્ટ ટર્મિનેટ કરી સમગ્ર લેક ઝોનનો વિસ્તાર તપાસ માટે સીલ કર્યો છે. ત્યારે આજે મ્યુનિ. કમિશનરે ચીફ ફાયર ઓફિસરને સાથે રાખી તળાવની મુલાકાત લીધી હતી, જેમાં બોટિંગ માટેના રેમ્પ, જેટીની ચકાસણીની સાથે તળાવ કેટલંુ ઊંડું છે તેની પણ તપાસ હોવાનું જાણવા મળે છે. જેમાં તળાવની ઊંડાઈ અંદાજે ર૦ ફૂટ જેટલી હોવાનું જાણવા મળે છે.