વડોદરા, તા.૧૫

શહેરના અક્ષર ચોક પાસે જ્યાં કોંક્રિટ મિક્સરના ભારદારી વાહને બે બહેનપણીઓનો જીવ લીધો એ જ જગ્યાએ આજે ફરી એકવાર સિમેન્ટ-કોંક્રિટ મિક્સર (મિલર) રમરમાટ દોડતું નજર પડ્યું હતું. આશ્ચર્યની વાત તો એ છે કે, માતેલા સાંઢ જેવા આ વિશાળ અને ભારદારી વાહનને નંબર પ્લેટ જ ન હતી! અને ડ્રાઈવર પાસે એના કાગળો પણ ન હતા! લોકસત્તા જનસત્તાએ આ વિશે જ્યારે પૂછ્યું ત્યારે ડ્રાઈવરે બિલકુલ બિન્ધાસ્તપણે કહી દીધું કે, આ વાહન વાસુભાઈનું છે અને એના કાગળો પણ એમની જ પાસે છે. સવાલ એ ઊભો થયા છે કે હવે, આ વાસુભાઈ કોણ છે? જેના આશીર્વાદથી શહેરના રાજમાર્ગો પર માતેલા સાંઢની જેમ નંબર પ્લેટ વિનાના સિમેન્ટ-કોંક્રિટ મિક્સર દોડી રહ્યા છે, જે પોલીસના તમામ નિયમોનો સરેઆમ ભંગ કરે છે.

સામાન્ય જનતાને દંડિત કરવા માટે ટ્રાફિક પોલીસના ધાડેધાડા રસ્તા પર ઉતરી પડે છે, પણ શું જ્યારે ખરેખર જેની સામે પગલા લેવાના હોય એવા ભારદારી વાહનો પોલીસને દેખાતા નથી? બુધવારે રાત્રે અક્ષર ચોક વિસ્તારમાં સાંજે આઠેક વાગ્યાના સુમારે સિમેન્ટ કોંક્રિટ મિક્સરે એક્ટિવા સવાર બે બહેનપણીઓને કચડી નાખી હતી. આ ઘટનામાં બંને બહેનપણીઓનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. બંનેના મોત પાછળ જવાબદાર સિમેન્ટ કોંક્રિટ મિક્સરના ચાલકની સામે પોલીસે ગુનો દાખલ કરીને સંતોષ માની લીધો હતો. પણ આ ઘટનાના સીસીટીવી ફૂટેજ જાેતાં એવું લાગતું હતું કે, આ કોઈ દુર્ઘટના નથી, પણ ગંભીર બેદરકારી છે.

જાે, ઘટનાના સીસીટીવી તમે જાેશો તો સ્પષ્ટ ખબર પડે છે કે, સિમેન્ટ કોંક્રિટ મિક્સરે આકસ્મિક રીતે એક્ટિવાને કચડ્યું નથી. ડ્રાઈવરે બિલકુલ સભાનતાથી એક્ટિવાને અડફેટે લઈને બે નિર્દોષના જીવ લઈ લીધા હતા.

બે પરિવારોમાં દુઃખનું તોફાન સર્જી દીધું હતું. આવા અનેક બેદરકાર ડ્રાઈવરો શહેરના રાજમાર્ગો પર બેફામ રીતે ભારદારી વાહનો હંકારી રહ્યા છે અને પોલીસ ક્યાં કાચી પડી રહી છે એ સમજાતું નથી! આજે અટલબ્રિજ ઉતરતા એક સિમેન્ટ કોંક્રિટ મિક્સર પર અમારી નજર પડી હતી. એની પાછળની નંબર પ્લેટ જ ન હતી. ડ્રાઈવર પાસે કાગળો પણ ન હતા. ડ્રાઈવરનું કહેવું હતું કે, આ વાહન વાસુભાઈનું છે. અમે એને દેણા ચોકડીથી વડસર ચોકડી લઈ જઈ રહ્યા છીએ. હવે, સવાલ એવો થાય છે કે, નંબર પ્લેટ વિનાનું માતેલા સાંઢ જેવું મહાકાય વાહન શહેરના રાજમાર્ગો પર દોડાવવાની પરવાનગી કોણે આપી? બીજું કે, આ વાસુભાઈ કોણ છે? જેના આશીર્વાદથી આવા ભારદારી વાહનો ટ્રાફિક નિયમોનો સરેઆમ ભંગ કરી રહ્યા છે.

ખેર, અમે બહુ પૂછ્યું ત્યારે ડ્રાઈવરે પોતાની કેબિનમાં પડેલી નંબર પ્લેટ અમને દેખાડી. વાહનની નંબર પ્લેટ ડ્રાઈવરના કેબિનમાં મૂકવા પાછળનો ઈરાદો શું હોય? એ પોલીસને સમજાવવાની જરૂર નથી. પોલીસ ખુદ સમજદાર છે, બધું જ જાણે છે. ખેર, આ સિમેન્ટ કોંક્રિટ મિક્સર કોઈ મોટો અકસ્માત સર્જે તો એને પકડવું કેવી રીતે? એવા અનેક સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે.