નડિયાદ : ગતિશીલ ગુજરાતની વધુ એક કડવી વાસ્તવિકતા સામે આવી છે. ખેડા જિલ્લા ફોરેસ્ટ વિભાગ અંતર્ગત આવતા ૯ રેન્જ ફોરેસ્ટ અધિકારીના પદો પૈકી ૮ પદ ખાલી છે. ગુજરાત સરકારની જાહેરાતો અને શ્રેષ્ઠ નેતૃત્વની વાતો આ ખુલાસા બાદ પોકળ સાબિત થયુ છે. 

ખેડા જિલ્લા વનવિભાગમાં ૯ રેન્જ ફોરેસ્ટ અધિકારી પૈકી નડિયાદ, માતર, મહેમદાવાદ, કઠલાલ, કપડવંજ, બાલાસિનોર, વિરપુર, ઠાસરા અને ડાકોરનો સમાવેશ થાય છે. આ ૯ પૈકી ૮ રેન્જ ફોરેસ્ટ અધિકારીની પોસ્ટ ખાલી છે. આ પદભાર પર મોટાભાગે સંબંધિત રેન્જના ફોરેસ્ટરને ચાર્જ અપાયો છે. રેન્જ ફોરેસ્ટ અધિકારીના ૯૦ ટકા પદો ખાલી હોવાથી મોટા પાયે કામકાજ અટવાયેલાં હોવાનું આંતરિક સૂત્રોએ જણાવ્યું છે. તેમજ રેન્જ ફોરેસ્ટ અધિકારીના પદ ડિસ્ટ્રીક્ટ ફોરેસ્ટ અધિકારીના નેજા હેઠળ સીધા આવતાં હોય આ પદનું ઘણું મહત્વ હોય છે. છતાં ૯૦ ટકા પદો ખાલી હોય તે ખેડા જિલ્લાના સત્તાધારી નેતૃત્વ અને ગુજરાત સરકાર માટે શરમજનક બાબત છે. તેમાંય જ્યારે શ્રેષ્ઠ શાસન અને વહીવટ આપવાની વાતો પ્રજા વચ્ચે કરવામાં આવતી હોય ત્યારે આ ખુલાસો તમામ નેતાઓના મુખ પર તમાચા સમાન છે.

રેન્જ ફોરેસ્ટ ઓફિસર પોતાના વિભાગ અંતર્ગત આવતી તમામ સંપત્તિઓ માટે જવાબદાર હોય છે. તેમજ પોતાના રેન્જમાં આવતા ફોરેસ્ટરો અને વિભાગના અન્ય કર્મચારીઓના શિસ્ત, કામગીરી અને રેન્જનું કાર્યક્ષમ સંચાલન કરવા માટે નિમાયેલા હોય છે. તેવા સંજોગોમાં જ્યારે ખેડા વનવિભાગમાં ફક્ત ૧ રેન્જ ફોરેસ્ટ અધિકારી હોય અને અન્ય ૮ પદ ખાલી હોય તે ખેડા જિલ્લાવાસીઓ માટે પણ શરમજનક બાબત છે.

આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે મહુધા ફોરેસ્ટર કાંતિલાલ ભોઈને પોતાના પદ ઉપરાંત અન્ય ૩ ચાર્જ અપાયા છે, જેમાં મહુધા ઉપરાંત કપડવંજ અને ઠાસરામાં પણ આરએફઓ તરીકે ચાર્જ આપવામાં આવ્યો છે. એવું કહેવાય છે કે, એક અધિકારી મહુધામાં ફોરેસ્ટર હોઈ તેમને મહુધામાં આરએફઓ તરીકે ચાર્જ આપી શકાય. પરંતુ અન્ય તાલુકા કે જિલ્લામાં તેમને આરએફઓ તરીકે ચાર્જ આપવો તે કાયદા વિરુદ્ધ હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. આ સાથે જ લોકોમાં ઊઠેલી ચર્ચા મુજબ, ખેડા જિલ્લા ફોરેસ્ટ વિભાગ અંતર્ગત આવતાં કપડવંજ અને ઠાસરા આરએફઓ તરીકે કરવા પડતાં ‘કામો’ સરળતાથી કરી શકાય તે માટે એક જ અધિકારીને ચાર્જ આપવામાં આવ્યા છે.

આ અંગે એક અરજદારે ખેડા જિલ્લા કલેક્ટરને કરેલી અરજીમાં આક્ષેપ કર્યો છે કે, કાંતિલાલ ભોઈની જિલ્લા ફોરેસ્ટ વિભાગની કચેરીમાં લાગવગ હોવાથી તેમને નિયમ વિરુદ્ધ ચાર્જ અપાયો છે. તેમની અંડર આવતી કચેરીઓના વિવિધ કામોમાં ફરિયાદ કરાઈ છે. આ તમામ સંદર્ભે તાત્કાલિક તપાસ કરી કૌભાંડ બહાર પાડી સરકારી નાણાંનો દૂરઉપયોગ અટકાવવાની માગ અરજદારે જિલ્લા કલેક્ટર સમક્ષ કરી છે.

આરએફઓના ૮ પદ ખાલી છે એટલે મહુધા ફોરેસ્ટરને ચાર્જ અપાયો છે ઃ ડૉ. ટી.કરૂપ્પાસ્વામી

આ સમગ્ર બાબતે જ્યારે ડિસ્ટ્રીક્ટ ફોરેસ્ટ અધિકારી ડૉ. ટી. કરૂપ્પાસ્વામી સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું હતું કે, ખેડા જિલ્લા રેન્જમાં આવતી ૯ રેન્જ ફોરેસ્ટ પૈકી ૮ પર રેન્જ ફોરેસ્ટ અધિકારીના પદ ખાલી છે, તેવાં સંજાેગોમાં આરએફઓની કામગીરી થાય, તેથી કાંતિલાલ ભોઈને મહુધા, કપડવંજ અને ઠાસરા ઇ.આરએફઓનો ચાર્જ અપાયો છે. તેમને જ્યારે એવું પૂછવામાં આવ્યું કે, આ કાયદા વિરુદ્ધ છે? ત્યારે સવાલને ટાળી આખી વાતને ઇ.આરએફઓના પદ ખાલી હોવાના મુદ્દા પાછળ સંતાડી દેવાનો પ્રયત્ન કર્યો હતો.

૯ આરએફઓ કચેરીના લેન્ડલાઇન ફોન શોભાના ગાંઠિયા સમાન

આ સમગ્ર બાબતની તપાસ માટે ગુજરાત સરકારની સત્તાવાર વેબસાઈટ ઉપર આપેલા ખેડા વનવિભાગ અંતર્ગત આવતી રેન્જ ફોરેસ્ટ કચેરીઓના ટેલિફોન નંબર પર સંપર્ક કરવાનો પ્રયત્ન કરતાં ૯ પૈકી ૭ ટેલિફોન નંબર અમાન્ય હોવાની વિગતો સામે આવી છે, જ્યારે ૨ ટેલિફોન નંબર લાગ્યા તો ખરાં, પરંતુ તેની પર જવાબ આપવા માટે કોઈ કર્મચારી કે અધિકારી હાજર ન હોય તેમ જણાયું હતું.

આરએફઓને ગુસ્સો કેમ આવ્યો

આ સમગ્ર મુદ્દે ૨ જગ્યાનો ચાર્જ હોવા બાબતે મહુધા ફોરેસ્ટર કાંતિલાલ ભોઈનો સંપર્ક સાધતા તેઓ ગુસ્સે થઈ ગયાં હતાં. તેમણે ગુસ્સમાં કહ્યું હતું કે, તમને જ મુશ્કેલી છે, મારાં ચાર્જથી. હું આ અંગે કોઈ જવાબ નહીં આપું, જે પૂછવું હોય તે જિલ્લાની ફોરેસ્ટ શાખામાં પૂછો. તેમની સામે ઊઠેલાં સવાલો વિશે લોકશાહીની ચોથી જાગીર સવાલ નહીં પૂછે તો કોણ પૂછશે? તે બાબત જિલ્લાવાસીઓને મૂંઝવી રહી છે.