વડોદરા, તા.૨૨

શિસ્તબદ્ધ મનાતી પાર્ટી વડોદરા શહેર ભાજપમાં નનામી પત્રિકા નવી વાત નથી. આવી નનામી પત્રિકાઓ આ પૂર્વે પણ અનેક વખત ભાજપના વિવિધ અગ્રણીઓ, નેતાઓની સામે ફરતી થઈ હતી. આ કિસ્સાઓમાં બિનસત્તાવાર રીતે નામો પણ સામે આવ્યા હતા. પરંતુ પક્ષ દ્વારા કે કોઈ કાયદાકીય કાર્યવાહી જે તે સમયે કરાઈ ન હતી. પ્રાપ્ત વિગતો મુજબ વર્ષ ૧૯૯૫માં શહેર ભાજપમાં પત્રિકાનો દોર શરૂ થયો હતો. ત્યારે શહેર ભાજપ પ્રમુખ જિતેન્દ્ર સુખડિયા હતા અને વાંદરાના ગુપ્તાંગ પર કમળ મૂકીને અપમાન કરાયું હતું. જાે કે, તે વખતે ભાજપની ટિકિટ નહીં મળતાં કેસરિયા પેનલ ઊભી કરાઈ હતી અને તે પૈકી જ આ પત્રિકા ફરતી કરાયાનું કહેવાતું હતું.

જાે કે, ત્યાર બાદ પણ આવી કેટલીક નનામી પત્રિકાઓ ફરતી થઈ હતી. અગાઉ આવી કેટલીક નનામી પત્રિકાઓ કોર્પોરેશનની કચેરીમાં રાજકીય વીંગના પગથિયાંની બારી પર કે ટોઈલેટ બ્લોકની બારી પર મૂકેલી જાેવા મળતી હતી. પરંતુ હવે પાલિકા સહિત મોટાભાગની સરકારી કચેરીઓમાં સીસીટીવી છે ત્યારે પોસ્ટ કે સોશિયલ મીડિયાના માધ્યમથી નનામી પત્રિકા ફરતી કરાય છે. ત્યારે પાછલા ત્રણ દાયકાથી પ્રજાના મનમાં વસેલ ભાજપ પોતાના જ નેતાઓ માટે અણગમા કેમ વ્યક્ત કરે છે? તે અંગે ભાજપના કાર્યકરોમાં જ ચર્ચાની સાથે અનેક તર્કવિતર્ક સર્જાયા છે.