સુરત, તા.૧૨

દક્ષિણ ગુજરાતમાં ગેરકાયદે બાયોડિઝલનાં ધમધમતાં કારોબાર ઉપર પોલીસ સત્તાધીશોએ ભીંસ વધારતાં કૌભાંડીઓમાં ભારે ફફડાટ ફેલાઇ ગયો છે. સ્થાનિક પોલીસ અધિકારીઓની નિષ્ક્રિયતા વચ્ચે સ્ટેટ મોનિટરિંગ સેલનાં અધિકારીઓએ સુરત જિલ્લાનાં માંડવી વિસ્તારમાં દરોડો પાડી ગેરકાયદે બાયોડિઝલ અને વિવિધ પ્રકારનાં કેમિકલ્સ, ટેન્કરો મળી કુલ ૬.૯૦ કરોડ રૂપિયાનો મુદ્દામાલ સીઝ કરીને ૩૪ શખ્સ વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગેરકાયદે બાયોડિઝલનાં કારોબારનું નેટવર્ક દક્ષિણ ગુજરાતથી મહારાષ્ટ્રનાં ઔરંગાબાદ સુધી પથરાયેલું હોવાની ચોંકાવનારી વિગતોનો પણ તપાસમાં પર્દાફાશ થયો છે.

સ્ટેટ મોનિટરિંગ સેલનાં ડી.વાય.એસ.પી. જ્યોતિ પટેલ અને તેમની ટીમનાં અધિકારીઓએ ડી.જી.પી.ની સીધી સુચના હેઠળ પ્રથમ માંગરોળ હાઇવે ઉપર ટેન્કર પકડ્યું હતું અને ડ્રાયવરની પુછપરછમાં માંડવીનાં કરંજ વિસ્તારની જીઆઇડીસીમાં આવેલી ફેક્ટરીનો ખુલાસો થતાં મંગળવારે મધરાત્રે ત્યાં દરોડો પાડવામાં આવ્યો હતો. ફેક્ટરીમાં દરોડો પાડ્યો ત્યારે બે ટેન્કરોમાં ગેરકાયદે બાયોડિઝલ-કેમિકલ્સ ભરવામાં આવી રહ્યું હતું. બંને ટેન્કરો મહારાષ્ટ્રનાં ઔરંગાબાદ મોકલવાનાં હોવાનું પકડાયેલાં શખ્સોએ

જણાવ્યું હતું.

સમગ્ર કૌભાંડનો મુખ્ય સુત્રધાર માંગરોળનો ઇકબાલ ઉમર તૈલી ઉર્ફે અસલમ હોવાનો ખુલાસો થયો હતો. અસલમ ઉપરાંત માંગરોળનાં ઝુબેર અડવાણી, કીમ ચાર રસ્તા ખાતે રહેતા સોહેલ શેખ, તૌફિક અફઝલહુસેન શેખ, ભાટકોલનાં શકિલ અફઝલહુસેન શેખ , ફિરોઝ ઉર્ફે ઇરફાન તેમજ સુરત શહેરનાં વરાછા વિસ્તારમાં રહેતાં જગદીશ વાઘાણી અને ટેન્કરોનાં ડ્રાયવરો મળી કુલ ૩૪ શખ્સ વિરૂદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

રાજ્યનાં પોલીસ મહાનિર્દેશક આશિષ ભાટિયાએ જણાવ્યું હતું કે, અસલમ ઉર્ફે ઇકબાલનાં અગાઉ ૧૦થી ૧૨ બાયોડિઝલ પંપ હતાં પરંતુ રાજ્ય સરકારે રીટેઇલ વેચાણ ઉપર પ્રતિબંધ મુક્યા બાદ પોલીસની ભીંસ વધતાં તેણે તમામ પંપ બંધ કરી દીધા અને ફેક્ટરીઓમાં ટેન્કરો લાવીને તેમાં ભરી ગેરકાયદેસર ધંધો કરતો હતો. ગેરકાયદે બાયોડિઝલ-કેમિકલ્સ તેમજ ટેન્કરો, વાહનો, ટાંકીઓ મળી કુલ ૬.૯૦ કરોડ રૂપિયાનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે. છેલ્લા એક વર્ષમાં ગેરકાયદે બાયોડિઝલનાં વેચાણ અંગે કુલ ૩૧૧ કેસ કરીને ૬૪૦ આરોપીની ધરપકડ કરવામાં આવી હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું.

સ્ટેટ મોનિટરિંગ સેલની કામગીરી ૩૬ કલાકથી પણ વધારે ચાલી

સ્ટેટ મોનિટરિંગ સેલનાં ડી.વાય.એસ.પી. જ્યોતિ પટેલ અને તેમની ટીમે માંગરોળ દરોડો પાડ્યા પછી માંડવીનાં કરંજ જીઆઇડીસીની ફેક્ટરીમાંથી ગેરકાયદે બાયોડિઝલનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો. સમગ્ર કૌભાંડની માત્રા એટલી વિશાળ હતી કે આરોપીઓનાં નિવેદનો અને અન્ય તપાસ કાર્યવાહીમાં તેમને ૩૬ કલાકથી પણ વધારે સમય લાગ્યો હતો. મંગળવારે મધરાત્રે દરોડાની શરૂ થયેલી કામગીરી ગુરૂવારે રાત સુધી જારી રહી હતી. ગુનો પણ ગુરૂવારે મોડી સાંજે નોંધવામાં આવ્યો હતો.