વડોદરા,તા.૧૬ 

વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અને રાજ્યના જીએમઈઆરએસ હોસ્પિટલમાં ફરજ બજાવતા એકમાત્ર એલોપેથી તબીબ અધ્યક્ષ ડો. વિજય શાહની સફળ મધ્યસ્થીને લઈને રાજ્ય સરકારને માટે માથાના દુઃખાવા સમાન બની ગયેલ ઇન્ટર્ન તબીબોની હડતાળને સંપૂર્ણપણે સમેટવામાં સફળ ભૂમિકા ભજવી છે. શહેર ભાજપના અધ્યક્ષ દ્વારા રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને રાજ્યની જીએમઈઆરએસ હોસ્પિટલોના આંદોલનકારી ઇન્ટર્ન તબીબોના નેતાઓ વચ્ચે ગાંધીનગર ખાતે મિટિંગ યોજીને એનું સુખદ સમાધાન લાવવામાં સફળતા મેળવી છે. ગુજરાત રાજ્યના ઇતિહાસમાં સૌ પ્રથમવાર વડોદરા શહેરના કોઈ નેતાની મધ્યસ્થીને લઈને રાજ્ય કક્ષાની હડતાળને ગણતરીના કલાકોની વાટાઘાટોમાં માત્ર એકજ મિટિંગમાં સમાધાનપૂર્વક ઉકેલ લાવવામાં સફળતા મળી છે. જેને લઈને છેલ્લા ત્રણ ત્રણ દિવસથી કોવિદ-૧૯ની વિપરીત સ્થિતિમાં રાજ્ય સરકારને માથે વધેલી ચિંતાને અત્યંત હળવી કરવામાં વડોદરાએ સિંહ ફાળો આપ્યો હતો. જેની નોંધ ઉચ્ચકક્ષાએ પણ લેવામાં આવી છે.

આખા ગુજરાતમાં આવેલ તમામ સરકારી કોલેજાેના અને એમાંય ખાસ કરીને જીએમઈઆરએસ મેડિકલ કોલેજાેના અંદાજે ૨૨૦૦ જેટલા ઇન્ટર્ન તબીબો પોતાના સ્થાયિપેન્ડમાં વધારો, ડ્યુટીના સમયની બાંહેધરી સહિતની ત્રણ અગ્ર માગણીઓને લઈને ત્રણ ત્રણ દિવસથી હડતાળ પર ઉતર્યા હતા. આ હડતાળ સામે સરકારે કડક વલણ અખત્યાર કરીને રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય વિભાગનો હવાલો સાંભળતા નીતિન પટેલે આકરા પગલાં લેવાની ચીમકી ઉચ્ચારવા છતાં ઇન્ટર તબીબો ટસના મસ થયા નહોતા. આખરે વડોદરા શહેર ભાજપના અધ્યક્ષ અને જીએમઈઆરએસ હોસ્પિટલમાં ફરજ બજાવતા ડો. વિજય શાહે આ પ્રશ્નને સારી રીતે સમજીને એનો ઉકેલ લાવવાને માટે નેતાઓને વિશ્વાસમાં લઈને બાજી હાથમાં લીધી હતી. ત્યારબાદ રાજ્ય સરકારના મંત્રીઓ અને સચિવો સાથે ચર્ચા વિચારણા કરીને હડતાળિયા તબીબોના તમામ મેડિકલ હોસ્પિટલો અને કોલેજાેના નેતાઓ અને રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને સચિવો સાથે ગાંધીનગર ખાતે મિટિંગ ગોઠવી હતી. આ મિટિંગમાં ડો.વિજય શાહે સરકાર અને હડતાળિયા તબીબો વચ્ચે મધ્યસ્થીની ભૂમિકા ભજવીને ગમેતે રીતે હડતાળના પ્રશ્ને સમાધાન કરાવીને હડતાળ સમેટી લેવામાં આવે એવા પ્રયાસો કાર્ય હતા. જેમાં ડો. વિજય શાહ સફળ રહયા હતા. આ સંયુક્ત મિટિંગમાં તેઓના પ્રયાસોને લઈને સરકાર તરફે સારા વાતાવરણમાં તબીબો અને સરકાર વચ્ચે સમાધાન શક્ય બન્યું હતું. જેમાં સરકારે તબીબોની માગણીઓ બાબતે વિચારીને એનો ઉકેલ લાવવાની ખાતરી આપતા તબીબોએ બિનશરતી હડતાળ પરત ખેંચી હતી. આમ સમગ્ર રાજ્યના ઇતિહાસમાં સૌ પ્રથમવાર એવું બન્યું કે, વડોદરાના કોઈ વ્યક્તિએ રસ દાખવીને રાજ્યકક્ષાની હડતાળમાં સમાધાન કરાવ્યું હોય. કોવિદ-૧૯ પેનાડેમિકમાં આ હડતાળ ઝડપથી સમેટાય એને લઈને સરકારમાં જ્યારે ચિંતાનો વિષય હતો.