પ્રથમ પૂજનીય અને શુભ કાર્યોમાં જેની પૂજા પ્રથમ કરવામાં આવે છે તે ગૌરીનંદન તથા શિવપૂત્ર વિઘ્નહર્તા ગજાનન ગણેશજીનો સોમવારે પ્રાગટ્ય દિન હતો. આ પાવન અવસરે શહેરભરના ગણેશ મંદિરોમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોમાં ગણેશ યાગ સહિત પૂજન – અર્ચન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વડોદરા શહેરના અકોટા – દાંડિયાબજાર બ્રીજ પાસે બદામડી બાગ સામે આવેલા શનિ મંદિરમાં ગૌરીનંદન ગણેશજી તેમજ રિદ્ધિ-સિદ્ધિની પૂજા અર્ચના કરવામાં આવી હતી. વળી આ મંદિરમાં ગજાનન સહિત રિદ્ધિ સિદ્ધિનીમૂર્તિની સ્થાપનાને એક વર્ષ પૂર્ણ થયું હતું. શહેરના ગણેશ ભક્તો વાર તહેવારે આ મંદિર ખાતે દર્શનાર્થે ઉમટી પડતા હોય છે અને નાગરીકોના આસ્થા સમાન મંદિરમાં ગજાનન અને રિદ્ધિ સિદ્ધિની સ્થાપનાને એક વર્ષ પૂર્ણ થયું હતુ. આ પ્રસંગે મંદિર પરિસરમાં સોમવારે સવારના સમયે ગણેશ યાગ અને હવનની પૂજા અર્ચના રાખવામાં આવી હતી તેમજ સાંજે નાળિયેર હોમવાનું આયોજન કરાયું હતુ. આ પ્રસંગે શહેરના ગણેશ ભક્તો મંદિરે દર્શન માટે ઉમટી પડ્યા હતા.