બ્રિસબેનઃ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ચોથી અને અંતિમ ટેસ્ટ કોઈ યુદ્ધથી ઓછી નથી. ટીમ ઈન્ડિયાના અડધાથી વધારે ખેલાડીઓ ઘાયલ છે અને પોતાની યંગ ટીમ લઈને મેદાનમાં ઉતરેલી ભારતીય ટીમનો સંઘર્ષ પણ જોવા લાયક છે. મેચના છેલ્લાં દિવસે જીત માટે 328 રનની પીછો કરવા મેદાનમાં ઉતરેલી ટીમ ઈન્ડિયાનો જુસ્સો કાબિલે તારીફ છે. ગીલની વાત હોય કે પુજારાની દરેક ખેલાડીઓએ ઉમદા રમત દર્શાવી. 

આ ટેસ્ટ સીરીઝમાં ટીમ ઈન્ડિયાનો રિયલ ટેસ્ટ થયો છે. કોઈપણ સ્થિતિને પાર પાડીને બહાર કઈ રીતે નીકળવું એ ટીમ ઈન્ડિયાએ દર્શાવ્યું છે. ટીમ ઈન્ડિયાની વોલ કહેવાતા પુજારાએ મેચના છેલ્લાં દિવસે શાનદાર પ્રદર્શન કર્યું. એક બે નહીં કુલ ત્રણ વાર ઓસ્ટ્રેલિયાના બોલરોએ પુજારાને ઘાયલ કર્યો. ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલરોના એક બાદ એક હુમલા બાદ પણ પુજારા ટીમ માટે મજબૂત દિવાલ બનીને અડીખમ ઉભો રહ્યો. પુજારા ત્રણ વાર બોલ વાગ્યા બાદ પણ યોદ્ધાની જેમ ક્રીઝ પર ઉભો રહ્યો અને મુશ્કેલ ઘડીમાં શાનદાર અડધી સદી ફટકારી. પુજારાએ 211 બોલમાં 56 રનની પારી રમી. 

રોહિત શર્માની વિકેટ પડ્યાં બાદ પુજારાએ શુભમન ગિલ સાથે મળીને શતકીય પાર્ટનરશીપ કરી. અને આ રીતે આ જોડીએ શાનદાર પ્રદર્શન કરીને ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી. જિલ અને પુજારા વચ્ચે 240 બોલમાં 114 રનની પાર્ટનરશીપ થઈ. આ સાથે જ રહાણે સાથે પણ તેમણે 53 રનની પાર્ટનરશીપ કરી. આ ઉપરાંત પુજારાએ ઋષભ પંત સાથે મળીને 141 બોલમાં 61 રનોની પાર્ટનરશીપ કરી. 

જે રીતે ઘાયલ થયા બાદ પણ પુજારા ઓસ્ટ્રેલિયાની ઘાતક બોલિંગની સામે ક્રીઝ પર ટકી રહ્યો એ પ્રદર્શને પ્રશંસકોને ખુશ કરી દીધાં. આવા અદભુત પ્રદર્શનથી પુજારા ફેન્સનો હીરો બની ગયો.