વડોદરા, તા.૩૦

શહેરના માંજલપુર વિસ્તારના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી યોગેશ પટેલની કારને આગચંપી કરનાર આરોપીની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કર્યા બાદ તેના એક દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. પોલીસે આરોપીને સાથે રાખી કારને આગચંપી કેવી રીતે કરી તેનું રિકન્સ્ટ્રકશન કર્યું હતું. આરોપી રીઢો ગુનેગાર હોવાથી તેમજ વારે-વારે નિવેદન બદલતો હોવાથી પોલીસ દ્વારા સઘન પૂછપરછ સાથે તપાસનો દોર લંબાવ્યો હતો.

ગત તા.ર૮મીના રોજ શહેરના માંજલપુરના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી યોગેશ પટેલની કાર અમદાવાદી પોળ બહાર જ્યુબિલીબાગ પાસે પાર્ક કરેલ હતી. મધ્યરાત્રિના સમયે વાડી વિસ્તારમાં રહેતો અને રીઢો ગુનેગાર મહંમદ અનીસ દારૂવાલાએ કોઈ સ્થાનિક રહીશની ડુપ્લિકેટ ચાવી વડે બાઈકનું લોક ખોલી બાઈક લઈને ત્રણ વાગ્યાની આસપાસ ઠંડી પડતી હોવાથી ટોપીવાળું જાકીટ પહેરીને જ્યુબિલીબાગ તરફ આવ્યો હતો, જ્યાં પાર્ક કરેલી કાર પાસે પહોંચી આગ લગાડી હતી. જેને કારણ કાર સંપૂર્ણ ખાખ થઈ ગઈ હતી.

આ સમગ્ર બનાવની તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી હતી. પોલીસે બનાવના સ્થળના સીસટીવી ફુટેજની ચકાસણી કરતાં આરોપીના સગડ મળતાં ક્રાઈમ બ્રાન્ચે આરોપી મહંમદ અનીસ દારૂવાલાને દબોચી લીધો હતો અને તેનો કોરોનાનો રિપોર્ટ કરાવતાં જે નેગેટિવ આવતાં તેની ધરપકડ કરી સઘન પૂછપરછ કરી હતી. જેમાં તેને સ્થાનિક રહીશની બાઈકનું લોક ડુપ્લિકેટ ચાવી દ્વારા તોડી બાઈક લઈને પાર્ક કરેલી કારના સ્થળે પહોંચ્યો હોવાની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું. વધુ પૂછપરછમાં તે પોલીસને ગોળ ગોળ ફેરવીને વારંવાર નિવેદનો બદલી નાખતો હતો. પોલીસે તેના અદાલતી એક દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. રિમાન્ડ બાદ તેને સાથે રાખી બનાવનું રિકન્સ્ટ્રકશન કરાવ્યું હતું. આ બનાવમાં અન્ય કોણ કોણ સંડોવાયેલા છે અને કોના ઈશારે આ કૃત્ય કર્યું છે તેવા પ્રશ્નોમાં તે ભેદી મૌન સેવી રહ્યો છે.