ગાંધીનગર ગાંધીનગર મહાપાલિકાની ચૂંટણીમાં જનતા આમ આદમી પાર્ટીને જિતાડીને સત્તા ઉપર બેસાડશે, કારણ કે, ભાજપ પાસે નિયત અને વિઝન બંને નથી. અત્યાર સુધી ગાંધીનગરની જનતા પાસે ભાજપનો વિકલ્પ ન હતો. હવે આમ આદમી પાર્ટી એક મજબૂત પક્ષ તરીકે ગુજરાતમાં ઊભરી આવી છે તેમ દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ જણાવ્યું હતું. તેમણે ગાંધીનગરની જનતાને વિનંતી કરી કહ્યું હતું કે, તમારા વોટથી તમે અમારી ઉપર ભરોસો મૂકી ગાંધીનગરની તસ્વીર બદલવા સક્ષમ છો, તો અમને એક મોકો આપીને આપણે ગાંધીનગરને ખરા અર્થમાં સમૃદ્ધ બનાવીએ. આ મુલાકાત દરમિયાન તેમણે એક રોડ શો પણ યોજ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકોનું સમર્થન જાેવા મળ્યું હતું.

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી સંદર્ભે આમ આદમી પાર્ટીના અગ્રણી નેતા અને દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ ગાંધીનગરની મુલાકાત લીધી હતી. આ દરમિયાનમાં મનીષ સિસોદિયાએ પત્રકાર પરિષદને સંબોધી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, અમને જ્યારે દિલ્હીની જનતાએ ચૂંટણી જીતાડી હતી. ત્યારે જેવો લોકજુવાળ અને જનસમર્થન દેખાતું હતું તેવું આજે મને ગાંધીનગર ખાતે દેખાઈ રહ્યું છે, જેના ઉપરથી સ્પષ્ટપણે લાગી રહ્યું છે કે, ગાંધીનગરની જનતા અમને જીતાડશે. મનીષ સિસોદિયાએ વધુમાં જણાવ્યું હતું કે, ગાંધીનગરની પ્રજાએ અગાઉ પણ ભાજપ પરથી વિશ્વાસ ગુમાવ્યો દીધો હતો, પરંતુ જનતા પાસે ભાજપના બદલામાં કોંગ્રેસ પણ ક્યારેય તેમના વિશ્વાસ ઉપર ખરી ઉતરી નથી શકી. પરંતુ હવે ગાંધીનગરની જનતા પાસે આમ આદમી પાર્ટી જેવો યોગ્ય વિકલ્પ ઉપલબ્ધ છે. દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ વધુમાં જણાવ્યું હતું કે, આ અગાઉની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સૂરતનાં લોકોએ અમારી પર વિશ્વાસ મૂક્યો હતો અને આજે સૂરતની પ્રજા ખૂબ ખુશ છે, આજે તે લોકો જાણી શક્યા છે કે ખરેખર એક કોર્પોરેટરના શું કાર્ય હોય છે? કોર્પોરેટર ઈચ્છે તો પ્રજાના કેટલા કામો સરળ કરી શકે છે. આ અવસરે મનીષ સિસોદિયાએ કોરોનાના મામલે રાજ્યની ભાજપ સરકારને પણ આડે હાથે લીધી હતી. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર કોરોના અંગે પોતાની નિષ્ફળતાને સ્વીકારવા માટે તૈયાર નથી. સિસોદિયાએ જણાવ્યું હતું કે, જે આમ આદમી પાર્ટી ગાંધીનગર મહાનગરપાલિકામાં સત્તામાં આવશે તો ગાંધીનગરમાં પ્રાઇવેટ સ્કૂલો કરતા અહીંની સરકારી શાળાઓ વધુ સુંદર અને સગવડ ભરેલ હશે. તેમણે બાબાસાહેબનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, બાબાસાહેબના રચેલ સંવિધાનમાં નગરનિગમના રહેવાસીઓને પ્રાથમિક સુવિધાઓ મળવી જ જાેઈએ. તેમણે ગાંધીનગરની જનતાને વેધક સવાલ કર્યો હતો કે, છેલ્લા ૨૭ વર્ષથી ભાજપની સરકાર હોવા છતાં લોકો આ સુવિધાઓથી વંચિત કેમ છે? આજે આમ આદમી પાર્ટીના લીધે ભાજપના લોકોનો આત્મવિશ્વાસ ડગી ગયો છે.