નસવાડી, તા.૧૩

છોટાઉદેપુર લોકસભા બેઠક ઉપર ભાજપે જશુભાઈ રાઠવા પર પસંદગી ઉતારી છે. જશુભાઈ રાઠવા વડાપ્રધાનની ગુડ બુકમાં હતાં છતાં ૨૦૨૨માં વિધાનસભાની ટિકિટ ન મળતાં નારાજ થયાં હતા. જોકે, તે સમયે ભાજપના મોટા નેતાઓ દ્વારા તેમને મનાવી લેવાયા હતા.

છોટાઉદેપુર જિલ્લામાં પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ જશુભાઈ રાઠવાનો જિલ્લામાં ભાજપનું કમળ ખીલવામાં મોટો સીફાળો રહ્યો છે. જ્યારે છોટાઉદેપુર જિલ્લામાં રાઠવા ત્રિપુટીનું પ્રભુત્વ હતું તે સમયે સીમાંકન બદલાતા જશુભાઈ રાઠવા છોટાઉદેપુર વિધાનસભા બેઠકથી કોંગ્રેસના ઉમેદવાર મોહનસિંહ રાઠવા સામે ૨૦૧૭માં ચૂંટણી લડ્યા અને માત્ર ૧,૦૦૦ જેટલા મતોથી હાર્યા હતા. ત્યારબાદ જશુભાઈ રાઠવાએ છોટાઉદેપુર જિલ્લામાં રાઠવા ત્રિપુટીને તોડવા માટે મોરચો માડ્‌યો હતો. જશુભાઈ રાઠવાએ ૨૦૧૯માં ભાજપમાંથી લોકસભાની ટીકીટ માંગી હતી પરંતુ તે વખતે ૮ ઉમેદવારો ભાજપમાંથી ટીકીટની રેસમાં હતા. ત્યારે ૭ ઉમેદવારો પૂર્વ સાંસદ રામસીંગ રાઠવા સામે મોરચો માંડતા આખો મામલો દિલ્હી સુધી પહાંેચતાં રામસીંગ રાઠવા સિવાયના બીજા ઉમેદવારોમાંથી પસંદગી કરવા માટે સાતે ઉમેદવારોએ સર્વ સંમતિ આપતાં ગીતાબેન રાઠવાને ટિકિટ મળી હતી. જે બાદ ૨૦૨૨માં વિધાનસભાની ચૂંટણીમાં પણ જશુભાઈ રાઠવો ટિકિટ માગી હતી. પરંતુ મળી ન હતી. જેથી જશુભાઈ રાઠવા ભારે નારાજ થયા હતા ત્યારે ભાજપ મોવડી મંડળે તેઓને મનાવ્યા હતાં. ત્યાર બાદ કોઈ કારણોસર વિવાદ થતા જશુભાઈ રાઠવાએ ભાજપના તમામ હોદા ઉપરથી રાજીનામુ પણ ધરી દીધું હતું. ત્યારે પણ પ્રદેશના નેતાઓએ તેમને મનાવી લીધા હતાં. ત્યારે હવે, લોકસભા ૨૦૨૪માં ભાજપમાંથી ૨૬ ઉમેદવારોએ ટિકિટ માગી હતી. જેને લઇ ભાજપ મોવડી મંડળ પણ ગુંચવણમાં મુકાયું હતું. અંતે વડાપ્રધાનના માનીતા જશુભાઈ રાઠવાની પસંદગી કરવામાં આવી હોવાનું કહેવાય છે.

જિલ્લો કોંગ્રેસમુક્ત કરવામાં સિંહફાળો

૨૦૨૨ની વિધાનસભાની ચુંટણી ટાણે કોંગ્રેસના ૧૧ ટમથી ધારાસભ્ય મોહનસિંહ રાઠવાને ભાજપમાં જાેડવામાં જશુભાઈ રાઠવાનો સિંહ ફાળો હતો. ત્યારે બાદ કોંગ્રેસના કદાવર નેતા રાજ્યસભાના સાંસદ નારણ રાઠવાને પણ ભાજપમાં જાેડવામાં જશુભાઇનો સિંહ ફાળો રહ્યો છે. જેને લઈ છોટાઉદેપુર કોંગ્રેસ મુક્ત કરવાં મેદાને પડેલા જશુભાઈ રાઠવાને ભાજપે લોકસભાની ટિકિટ ભેટ આપી છે

સાંસદ ગીતાબેનની ટિકિટ કેમ કપાઇ?

છોટાઉદેપુરના સાંસદ ગીતાબેન રાઠવા પ્રજાના ફોન ઉપાડતા ન હતા તેમજ સાંસદ કાર્યાલયનો વહીવટ તેમના પતિ ચલાવતા હતા. આદિવાસી સમાજના લોકો સમસ્યા લઇને તેમના ઘરે જાય ત્યારે તેઓ મળતાં નહીં અને યોગ્ય જવાબ પણ મળતો નહીં. ઉપરાંત વિસ્તારમાં જીઆઇડીસીની સ્થાપના, નસવાડી સંખેડા ટ્રેન સેવા પણ તેઓ શરૂ કરાવી શક્યા નથી. તેમજ ધારાસભ્યો સાથે પણ મન મેળાપ ઓછો હતો. જ્યારે છોટાઉદેપુર જિલ્લામાં ૫ વર્ષમા સાંસદનું કાર્યલય પણ ખોલ્યું નથી. વિધાનસભા વિસ્તારમાં કાર્યકરો સાથે ચર્ચા વિચારણા કરીને વિકાસના કામો મૂકવા જાેઈએ તે કામો કાર્યકરોને પૂછ્યા વગર જ મૂકી દેવતા હતા. જેનાથી તેઓની છબી ખરડાઈ હતી.