વડોદરા, તા.૫

શહેરના કિશનવાડી વિસ્તારમાં રહેતા યુવકે અંધશ્રધ્ધામાં આવીને ટી.બી.ના ઉપચાર માટે કાચબાનું શાક ખાવુ જાેઈએ. તેવુ માનીને તે કાચબાને ગરમ પાણીમાં ઉકાળવા જતા જ વન્ય વિભાગની ટીમ આવી પહોંચતા કાચબાને બચાવી લેવામાં આવ્યો હતો.જ્યારે યુવકની ઘરપકડ કરવામાં આવી હતી.

કિશનવાડી વિસ્તારમાં આવેલ નવ ઝુપડાં વસાહતમાં રહેતો મુકેશ દેવીપુજક લાંબા સમયથી ટી.બી.ની બિમારીથી પીડાય છે. ત્યારે બીમારીથી ત્રસ્ત થઈ જઈને તે અંધશ્રધ્ધાના માર્ગે વળી જતા ટી.બી.ના ઉપચાર માટે કાચબાનું શાક બનાવીને ખાવાથી સારુ થઈ જાય છે.જેથી આ વાત સાચી માની જઈને તેણે ગેરકાયદેસર અબોલ જીવનું વેચાણ કરનાર વ્યકિત પાસેથી કાચબો ખરીદીને તેને ગરમ પાણીમાં બાફીને તેનું શાક બનાવવા જતો હતો.જાેકે તે પહેલા જ આ વાતની જાણ વન્ય વિભાગને થતા તેઓ તાત્કાલિક આવી પહોંચતા કાચબાને બચાવી લીધો હતો. તેમજ મુકેશની વન્ય વિભાગ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.