વડોદરા, તા. ૮

મહાઠગ કિરણ પટેલની જેમ ભાજપાના નેતાઓ, મંત્રીઓ તેમજ જાણીતા સંતો સાથે ફોટા પડાવ્યા બાદ આ ફોટા બતાવીને લોકોને આંજી દઈ ઠગાઈ કરવાનો વધુ એક કિસ્સો સપાટી પર આવ્યો છે. વડોદરાના વૃધ્ધની પુત્રવધુને સરકારી નોકરી અપાવવાના બહાને તેમજ ઓનલાઈન ગેમીંગના ધંધામાં પાર્ટનર બનાવવાની લાલચ આપી ૨૫ લાખ ખંખેરી લઈ કિરણ પટેલવાળી કરનાર આણંદના ભાજપાના યુવા મોરચાના કારોબારી સભ્ય કેયુર શાહને બોરસદ પોલીસે ઝડપી પાડતા આણંદના રાજકિય બેડામાં ચકચાર મચી છે.

સુભાનપુરા વિસ્તારની ગોકુલધામ સોસાયટીમાં રહેતા વૃધ્ધ વિજયભાઈ દેવજીભાઈ પટેલને ગત ૨૦૧૮માં બોરસદ શહેરના જૈન દેરાસર પાસે આવેલી સ્વસ્તિકનગર સોસાયટીમાં રહેતા કેયુર પિયુષભાઈ શાહ સાથે પરિચય થયો હતો. કેયુર શાહે તેના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંધવી સહિતના મંત્રીઓ અને ધર્માચાર્યો-સંતો સાથે પડાવેલા ફોટા બતાવી તેમને આંજી દીધા હતા અને જણાવ્યું હતું કે ‘ મારી ગાંધીનગરમાં ઘણી બધી ઓળખાણો છે..તમારુ કંઈ પણ કામ હોય તો મને કહેજાે, હું કરી આપીશ ’. તેની વાતોમાં આવેલા વિજયભાઈએ તેમની પુત્રવધુ એમબીએ ભણેલી છે તેમ કહેતા જ કેયુરે પુત્રવધુને સરકારી નોકરી અપાવવાની લાલચ આપી વિજયભાઈ પાસેથી ૧૫ લાખ પડાવ્યા બાદ ઓનલાઈન ગેમીંગ કંપનીમાં પાર્ટનરની લાલચ આપી વધુ ૧૦ લાખ મેળવ્યા હતા. જાેકે ચાર વર્ષ સુધી તેણે નોકરી નહી અપાવતા કે કંપનીમાં ભાગીદાર નહી બનાવતા વિજયભાઈએ તેમના ૨૫ લાખ પાછા માંગતા જ કેયુરે તેમને ધમકી આપી હતી. આ ઠગાઈના બનાવની વિજયભાઈએ બોરસદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ઠગ કેયુર શાહની ધરપકડ કરી હતી જેમાં તેનો જામીન પર છુટકારો થયો હતો.

મંત્રીઓની આ રીતે ફોટા પડાવતાં અગાઉ કોઈ જવાબદારી નથી?

મહાઠગ કિરણ પટેલની જેમ જ કેયુર શાહે પણ કેન્દ્રિય અને રાજયના વિવિધ મંત્રીઓ, જૈનાચાર્યો અને જાણીતા સંતો સાથે પોતાના ગાઢ પરિચય હોય તે રીતે તેઓની સાથે પર્સનલ ફોટા પડાવ્યા છે અને આ જ ફોટાનો ઉપયોગ કરી તેણે ઠગાઈ કરી છે. મંત્રીઓ-નેતાઓ અને સંતો સાથે પડાવેલા ફોટાનો દુરપયોગ કરી ઠગાઈ કરવાનો આ કોઈ પહેલો કિસ્સો નથી..તો આવી પરિસ્થિતીમાં મંત્રીપદ જેવો મહત્વનો હોદ્દો ધરાવનારાઓએ તેઓની સાથે પર્સનલ ફોટા પડાવતી વ્યકિત કોણ છે ? તેની ખાતરી કરવાની કોઈ જવાબદારી નથી ? તે પણ એક મહત્વનો પ્રશ્ન બન્યો છે.