ગોધરા, તા.૬ 

દેશમાં ઘણા વર્ષોથી અયોધ્યા સ્થિત રામમંદિરનો વિવાદનો સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ ઉકેલ આવતા તાજેતરમાં પાંચમી ઓગસ્ટના રોજ અયોધ્યામાં રામ જન્મભૂમિની જગ્યાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે શાસ્ત્રોક્ત ભૂમિ પૂજનની વિધિ યોજાતા એ ઐતિહાસિક ઘટનાને અનુલક્ષી બુધવારે દેશભરમાં દિવાળી જેવો માહોલ સર્જાયો હતો. જે સંદર્ભે કાલોલ શહેરના કોમ્યુનિટી હોલ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા કાલોલ ધારાસભ્ય અને કાર્યકરોની ઉપસ્થિતિમાં અયોધ્યા ખાતે ગયેલા કારસેવકોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું. જે કાર્યકમમાં ઉપસ્થિત રહેલા કારસેવકોએ તે સમયના સંસ્મરણો વાગોળ્યા હતા. આ પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદે કારસેવકોની મહેનત , બલિદાન અને સંઘર્ષને યાદ કરવામાં આવ્યો હતો. જ્યારે શહેરમાં કાર્યરત હિન્દુ યુવા વાહિની દ્વારા સાંજે નગરમાં પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું.

તદ્‌ઉપરાંત અયોધ્યા સ્થિત રામમંદિરના ભુમીપુજન સાથે કાલોલ તાલુકાના નાંદરખા ગામમાં પણ ઐતિહાસિક દિવસના સ્મરણાર્થે ગામમાં નવીન રામ મંદિરનો સંકલ્પ કરી અયોધ્યા ભુમીપુજનના નિયત સમય સાથે કાલોલના ધારાસભ્ય સુમનબેન ચૌહાણ અને જિલ્લા પંચાયત પ્રમુખ રાજપાલસિંહ જાદવના હસ્તે ભુમીપુજન કરવામાં આવ્યું હતું. જ્યારે તાલુકાના હમીરપુરી ગામના ગ્રામજનોએ ગામના રામમંદિરે એક હજાર દિવડાઓની મહાઆરતી કરી ઐતિહાસિક અવસરને ઉત્સવમય બનાવ્યો હતો. આમ અયોધ્યા સ્થિત ભુમીપુજનના તાલુકાના ગામેગામ લોકોએ પોતાના ઘેર દિવડાઓ પ્રગટાવી દેશની દિવાળી સમાન રામમંદિરના અવસરને આનંદ અને ઉત્સાહથી મનાવ્યો હતો.