લંડન, તા. ૧૨ 

કોરોના વાયરસ મહામારીના કારણે રદ થયા પછી પણ વિમ્બલ્ડન ૬૨૦ ખેલાડીઓને પુરસ્કાર રાશિ તરીકે ૧.૨૫ કરોડ ડોલર અપાશે. ઓલ ઈંગ્લેન્ડ ક્લબે શુક્રવારે આ બાબતની જાહેરાત કરી હતી. વીમા કંપની સાથે સલાહ-સૂચન પછી ક્લબના અધિકારીઓએ કહ્યું કે, મુખ્ય રીતે ડ્રોમાં ભાગ લેનાર ૨૫૬માંથી પ્રત્યેક ખેલાડીને ૩૧,૦૦૦ ડોલરની રકમ આપવામાં આવશે. ૨૨૪ ખેલાડી ક્વોલિફાઈંગમાં ભાગ લેશે, તેમને દરેકને ૧૫,૬૦૦ ડોલરની રકમ મળશે. ઓલ ઈંગ્લેન્ડ ક્લબના મુખ્ય અધિકારી રિચર્ડ લુઈસે કહ્યું કે,’ચેમ્પિયનશિપ રદ થયા પછી તરત જ અમે અમારુ ધ્યાન એ વાત પર લગાવ્યું કે અમે તે લોકોની કેવી રીતે મદદ કરી શકીએ જે વિમ્બલડનને આયોજીત કરવામાં મદદ કરે છે.આ સાથે જ ૧૨૦ ખેલાડી કપલ સ્પર્ધાઓમાં ભાગ લે છે તો દરેકને ૭,૮૦૦ ડોલર, વ્હીલચેર સ્પર્ધામાં ભાગ લેનાર ૧૬ ખેલાડીઓને ૭,૫૦૦ ડોલર અને‘ક્વેડ’ (ચાર ખેલાડીઓની) વ્હીલચેર સ્પર્ધામાં ભાગ લેનાર ચાર ખેલાડીઓને ૬,૨૦૦ ડોલર આપવામાં આવશે. આ નિર્ણયના લોકો વખાણ કરી રહ્યાં છે. ટેનિસ ફેન્સે તેને ઐતિહાસિક નિર્ણય ગણાવ્યો છે. કોરોનાના કારણે જ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ કોચિંગ અને અન્ય વિભાગોમાં છટણી કરી હતી.