આણંદ, તા.૪ 

આણંદના શ્રી રામ ચરિત માનસ પરિવાર શ્રી રામચરિત માનસ ગ્રંથ ઘરે-ઘરે સ્થાપના કરાવી પ્રભુ શ્રીરામના આદર્શોનું સિંચન કરી રહ્યું છે. આઓ ચલે અખંડ ભારત કી ઓરની વિચારધારા સાથે શ્રી રામ ચરિત માનસ પરિવાર દ્વારા છેલ્લા ચાર-પાંચ વર્ષથી ૧૨થી ૧૩ હજાર જેટલાં શ્રી રામચરિત માનસ ગ્રંથ ઘરે-ઘરે સ્થાપન કરાવવામાં આવ્યું છે. આવતીકાલે ૫ ઓગસ્ટે અયોધ્યા રામ જન્મભૂમિ ખાતે ભવ્ય રામમંદિરના ખાતમૂહુર્ત દરમિયાન આણંદના શ્રી રામ ચરિત માનસ પરિવારના સભ્યો હાજર રહેવાના છે. આ માટે અયોધ્યા જવા તેઓ નીકળી ગયાં છે.  

શ્રી રામ ચરિત માનસ પરિવાર ૧૧૦૦ જેટલાં શ્રી રામ ચરિત માનસ ગ્રંથના દાનનો સંકલ્પ લઇ અયોધ્યા જન્મભૂમિ ખાતે પ્રસ્થાન કર્યું હતું. યાત્રા પરિપૂર્ણ કર્યા પછી આણંદ જિલ્લાનાં ૩૬૫ ગામોના સરપંચોને મળી પ્રભુ શ્રી રામ જન્મભૂમિની માટી તેમજ શ્રી રામ ચરિત માનસ ગ્રંથ ભેટ કરી આપણી યુવાપેઢીને પ્રભુ શ્રીરામના આદર્શો અને સંસ્કારોનું સિંચન થાય તેવાં પ્રયાસો કરશે. આ મહાન કાર્યમાં પ્રમુખ સહયોગી ક્ષત્રિય સુધારક સંઘના પ્રમુખ શ્રી પુરુષોત્તમદાસ પરમાર અને ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી દિલીપસિંહ રાઉલજી સહયોગ આપશે. યુવા ક્ષત્રિય સેનાના પ્રમુખ વિજયભાઈ પરમાર અને મહાકાલ સેના/કરણી સેનાના અધ્યક્ષ અમિતસિંહ સોલંકી અને ઉપાધ્યક્ષ કમલેશભાઈ પરમાર તેમજ સમગ્ર આણંદ જિલ્લાના ક્ષત્રિય સમાજ પ્રમુખ આગેવાનોની હાજરીમાં આ આહવાન કરવામાં આવ્યું હતું.