વડોદરા, તા.૬ 

કોરોના કહેર વચ્ચે કોરોનાની સારવાર લઇ રહેલા વધુ ૨૧ દર્દીઓએ હોસ્પિટલના બિછાને અંતિમ શ્વાસ લીધો હતો. આ સાથે આજે નવા ૧૦૪ પોઝિટિવ કોરોના કેસો નોંધાયા હતાં. જેથી કોરોના પોઝિટિવની સંખ્યા ૫૨૫૬ ઉપર પહોંચી હતી. તો બીજી તરફ તેની સામે આજે માત્ર ૩૯ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. દિવસ દરમિયાન શહેરના વિવિધ વિસ્તારો તથા ગ્રામ્યમાંથી ૯૩૨ સેમ્પલો લેવામાં આવ્યા હતાં. જેમાં ૧૦૮ પોઝિટિવ અને ૮૨૮ નેગેટીવ રીપોર્ટ આવ્યા હતાં. હાલ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા ૯૨૫ દર્દીઓ પૈકી ૧૪૪ દર્દીઓ ઓક્સીજન પર અને ૫૭ દર્દીઓ વેન્ટીલેટર પર હોવાનું તબિબ સુત્રોએ જણાવ્યું હતું. વિતેલા ૨૪ કલાકમાં હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા બોડેલી કુબેર નગર સોસાયટીમાં રહેતા અને હોલના સંચાલક કીડનીની બિમારીથી પિડાતા હતાં. તેમને શ્વાસોશ્વાસની તકલીફ થતાં સારવાર અર્થે ગોત્રી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. જ્યાં તેમનું ગત મોડી રાત્રે અવસાન થયું હતું. ગોરવા ગુજરાત હાઉસિંગ બોર્ડ અનમોલ નગરમાં રહેતાં અને ખાનગી કંપનીમાં સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતાં ૭૪ વર્ષિય વૃદ્ધ શ્વાસની બિમારીની સારવાર માટે ગોત્રી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતાં. જ્યા તેમનો કોરોના ટેસ્ટ કરાવતાં નિમોનિયા તથા કોરોનાના લક્ષણો જણાય આવ્યા હતાં. તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. 

ગોત્રી વિસ્તારની સોસાયટીમાં રહેતા અને બેંક ઓફ ઇન્ડિયામાંથી તાજેતરમાં જ સેવા નિવૃત્ત થયેલા ૬૦ વર્ષિય વૃદ્ધ કોરોના સંક્રમિત બન્યા હતાં. તેમને ગોરવા રોડ પરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા હતાં. જ્યાં તેમનું મૃત્યું થયું હતું. ભાયલી રોડ ગોકુલધામ ખાતે રહેતાં અને વોચમેનની નોકરી કરતાં ૬૫ વર્ષિય વૃદ્ધ મોઢામાં ચાંદા પડવાથી સારવાર માટે ગોત્રી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતાં. જ્યા તેમનો કોરોના ટેસ્ટ કરાવતાં પોઝિટિવ આવ્યો હતો. તે બાદ સારવાર માટે કોવિડ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતાં. જ્યા તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. પાદરાના બીલ ગામની પરમેશ્વર ફ્લેટમાં રહેતા ખાનગી કંપનીમાં સુપર વાઇઝર તરીકે ફરજ બજાવતાં ૪૪ વર્ષના યુવાન સામાન્ય શરદી ખાંસી તાવની બિમારી થઇ હતી. તેઓ સારવાર માટે સયાજી હોસ્પિટલમાં આવ્યા હતાં. જ્યાં તેમના કોરોના લક્ષણોની તપાસ માટે સિટીસ્કેન કરાવવામાં આવ્યું હતું. જેમાં કોરોનાની અસર જણાય આવતાં દાખલ કરવામાં આવ્યા હતાં જ્યા તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. તદ ઉપરાંત ગોરવા અનમોલ નગરમાં રહેતાં ૪૭ વર્ષિય મહિલા, અકોડા નટરાજ ટાઉનશીપમાં રહેતા ૫૩ વર્ષિય પુરુષ, કરજણ વિશ્વકર્મા સોસાયટીમાં રહેતા ૫૪ વર્ષના યુવાન સહિત ૧૯ દર્દીઓના કોરોનાની સારવાર દરમિયાન મોત નિપજ્યાં હતાં. આ તમામ મૃતકોની અંતિમ વિધિ કોરોનાના પ્રોટોકોલ મુજબ કરવામાં આવી હતી.

આજવા રોડની પોસ્ટ ઓફિસમાં પોઝિટિવ કેસ નોંધાતા કામકાજ બંધ

શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની બ્રાન્ચમાં તેમજ બપોર બાદ આજવા રોડ સ્થિત પોસ્ટ ઓફિસમાં એક કર્મચારીનો રિપોર્ટ પોઝિટિવ આવતાં પોસ્ટ ઓફિસનું કામકાજ બંધ રાખવાનો નિર્ણય સત્તાવાળાઓએ કર્યો હતો. પોસ્ટ ઓફિસ બહાર સુચના લગાડી બે દિવસ માટે પોસ્ટનું કામકાજ બંધ કરવામાં આવ્યું છે.