વડોદરા : વડોદરા કોર્પોરેશનની ચૂંટણી માટે આજે ઉમેદવારી પત્રોપાછા ખેંચવાના દિવસે ભાજપ-કોંગ્રેસની તેમજ આપ અને એનસીપીના કેટલાક ઉમેદવાર સહિત ૧૪ ઉમેદવારોએ તેમના ઉમેદવારીપત્રો પાછા ખેંચતા હવે ૧૯ વોર્ડની ૭૬ બેઠકો માટે ૨૮૦ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં રહ્યાં છે જેમાં સૌથી ઓછા ૮ ઉમેદવારો વોર્ડ નં.૧૫માં અને સૌથી વધુ ૨૫ ઉમેદવારો વોર્ડ નં.૧૨માં ચૂંટણી મેદાનમાં છે.

વડોદરા કોર્પોરેશનના ૧૯ વોર્ડની ૭૬ બેઠકો માટે આગામી ૨૧મી ફેબ્રુઆરીએ યોજાનારી ચૂંટણીમાં ઉમેદવારી પત્ર ભરવાના પ્રથમ તબક્કામાં ૪૬૧ ઉમેદવારોએ ૫૪૮ ઉમેદવારીપત્રો ભર્યા હતા. ગઇકાલે ઉમેદવારીપત્રોની ચકાસણી દરમિયાન ભાજપની ટીકીટ નહી મળતા નારાજગી વ્યક્ત કરી અપક્ષ ઉમેદવારી નોંધાવનાર પૂર્વ કાઉન્સિલર દિપક શ્રીવાસ્તવ, આર.એસ.પી.ના પૂર્વ કાઉન્સીલર વિરેન રામી સહિત ૨૫૪ ઉમેદવારીપત્રો અમાન્ય કરાતા ૨૯૪ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં રહ્યાં હતા.

આજે ઉમેદવારીપત્રો પાછા ખેંચવાનો છેલ્લો દિવસ રહ્યો હતો. ત્યારે ૧૯ વોર્ડ પૈકી ૧૦ વિવિધ વોર્ડમાંથી અપક્ષ, આપ કે એન.સી.પી.માંથી ઉમેદવારી નોંધાવનારા ૧૪ ઉમેદવારોએ તેમના ઉમેદવારીપત્ર પાછા ખેંચી લેતા હવે ૭૬ બેઠકો માટે ૨૮૦ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં રહ્યા છે. જેમાં સૌથી વધુ ૨૫ ઉમેદવારો વોર્ડ નં.૧૨ અને સૌથી ઓછા ૮ ઉમેદવારો વોર્ડ નં.૧૫માં છે. આમ દરેક વોર્ડમાં ઉમેદવારો કેટલા છે તેની સ્પષ્ટતા સાથે તમામ ઉમેદવારોને ઉમેદવારી ક્રમાંક તેમજ અપક્ષ ઉમેદવારોને ચૂંટણી ચિન્હ ફાળવવામાં આવતા આવતીકાલથી ભાજપ-કોંગ્રેસ, અન્ય પક્ષો તેમજ અપક્ષો પ્રચાર ઝુંબેશ વધુ તેજ બનાવશે.

ઉલ્લેખનીય છે કે, તા.૧૯મીએ આજે ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થશે. જેથી પ્રચાર માટે હવે ૧૦ દિવસનો જ સમય રહ્યો છે. નવા સીમાંકન બાદ વોર્ડ મોટા થયા છે અને મતદારો પણ વધ્યા છે જેથી તમામ ઉમેદવારો પ્રચારમાં એડી ચોટીનું જાેર લગાવશે. જાેકે, એકાદ-બે વોર્ડ ને બાદ કરતા મોટાભાગના વોર્ડમાં કોંગ્રેસમાં અને ભાજપના ઉમેદવારો વચ્ચે સીધો જંગ જામે તેવી શક્યતા વ્યક્ત કરાઇ રહી છે.

કયા વોર્ડમાં કેટલા ઉમેદવારો

૧-૧૭

૨-૦૯

૩-૧૦

૪-૨૨

૫-૧૫

૬-૧૪

૭-૧૬

૮-૨૧

૯-૧૩

૧૦-૧૬

૧૧-૧૧

૧૨-૨૫

૧૩-૧૪

૧૪-૧૫

૧૫-૦૮

૧૬-૧૩

૧૭-૧૨

૧૮-૧૩

૧૯-૧૬