નડિયાદ : માતરમાં વિજિલન્સની રેડમાં ૫૦૧ દારૂના બોક્સ ઝડપાયાં હતાં. માતર પોલીસ મથકની હદમાં આવતા સંધાણા ગામ નજીક અમદાવાદ-વડોદરા નેશનલ હાઇવે ઉપર આવેલી સહયોગ હોટલના પાર્કિંગમાં દારૂના જથ્થા સાથે ઉભેલા કન્ટેઈનર પર વિજિલન્સની ટીમે રેડ પાડતાં દારૂનો જથ્થો ઝડપાયો છે. હરિયાણાથી ૨૧.૬૩ લાખનો દારૂ ગુજરાતમાં ઊતારવાની તૈયારીઓ ચાલી રહી હતી. આ વચ્ચે રેડ પાડી દારૂનો જથ્થો પોલીસે કબજે લીધો છે. 

સમગ્ર ઘટનામાં મળતી વિગતો અનુસાર તા.૨૮ના રોજ માતર પોલીસની હદમાં દારૂ ભરેલી કન્ટેઈનર જઈ રહી હોવાની બાતમી વિજિલન્સને મળી હતી, જેનાં આધારે વિજિલન્સે રેડ કરતાં કન્ટેઈનર નંબર આર.જે. ૨૭, જી.એ. ૮૦૪૫માં તપાસ કરતાં તેમાંથી ૨૧,૬૩,૬૦૦ રૂપિયાની કિંમતનો ૫૦૧ બોક્સમાં ભરેલો ભારતીય બનાવટનો વિદેશી દારૂની ૬૦૧૨ બોટલો ઝડપી પાડી છે. આ કન્ટેઈનરનો ડ્રાઈવર રાજસ્થાનનો છે, જેનું નામ ગોગારામ હોવાનું જાણવા મળ્યુ છે. આ ઉપરાંત ૨૧ વર્ષીય ટીકુરામ પણ તેની સાથે દારૂની હેરાફેરીમાં ઝડપાયો છે. દારૂ મોકલનાર અસમાજિક તત્વોના નામ જાહેર થયાં નથી. પોલીસે ૨૧ લાખ ઉપરાંતના દારૂના જથ્થા સહિત ૧૫ લાખની કિંમતનું કન્ટેઈનર, ૨૦૦૦ રૂપિયા રોકડ, બે મોબાઈલ અને જીપીએસ ડિવાઇઝ એમ કુલ મળી ૩૬.૭૬ લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે.

લાખ્ખો રૂપિયાનો દારૂ ઝડપાઈ જતાં ખેડા જિલ્લા પોલીસ પ્રશાસન પણ ભીંસમાં મૂકાયું છે. જિલ્લામાં ઠેર-ઠેર દારૂની હાટડીઓ ધમધમી રહી છે. તેમ છતાં પોલીસની નિષ્ક્રિયતા અને મિલીભગત દારૂબંધીના કાયદા માટે હાનિકારક સાબિત થઈ રહી છે. ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના કાયદો જાણે કાગળ પર જ સીમિત થઈ ગયો હોય તેમ લાગી રહ્યુ છે. બીજીતરફ ગુજરાતની દારૂબંધી વિશે ટીપ્પણીઓ કરી ચર્ચામાં આવતાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતના શાષનવાળા રાજસ્થાનમાંથી આટલી મોટી માત્રામાં દારૂ આવ્યો તે બંને રાજ્યો માટે શરમની વાત છે.