વડોદરા, તા.૨૮

વડોદરા કોર્પોરેશન દ્વારા તરસાલી વિસ્તારમાં આવેલ વ્રજધામ સોસાયટીમાં આંતરીક રસ્તા પર કમ્પાઉન્ડ વોલ, ઓટલા સહિત ૪૯ જેટલા મકાનોના દબાણો દૂર કરાતા વિવાદ સર્જાયો છે. તંત્રની કામગીરીથી નારાજ સ્થાનિક રહીશોએ નોટીસ કે કોઈપણ જાણ વગર ડિમોલેશન ની કામગીરી કરાઈ હોવાના આક્ષેપ સાથે મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ તરસાલી વિસ્તારમાં વ્રજધામ સોસાયટીમાં ૯૯ મકાનો આવેલા છે. જેમાં વડોદરા કોર્પોરેશનની દબાણ શાખા દ્વારા આજે એકાએક ડિમોલિશનની કામગીરી હાથ ધરી ૪૯ મકાનોની કમ્પાઉન્ડ વોલ,ઓટલા વગેરે સોસાયટીના આંતરીક રસ્તા પરના દબાણો તોડી પાડતા વિવાદ સર્જાયો હતો. સ્થાનિક મહિલાએ આક્ષેપ કરતા કહ્યુ હતું કે, કોઈપણ નોટિસ વગર અચાનક ડિમોલિશનની કાર્યવાહી કરાતા અમને નુકસાન પહોંચ્યું છે જેથી મ્યુનિસિપલ કમિશનરને તટસ્થ તપાસની માંગ કરી છે.જાેકે, સ્થાનિક રહીશોએ એમપણ કહ્યુ હતુ કે, સોસાયટીમાં આંંતરીક વિવાદના કારણે પાલિકામાં રજૂઆત કરાતા આ કાર્યવાહી કરવામાં આવી હોંવાનો આક્ષેપ કર્યો હતો.તો વિપક્ષ કોંગ્રેસે કહ્યુ હતુ કે,આ સંદર્ભે જાણ થતા પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. આ કાર્યવાહીમાં કોર્પોરેશનની મનસ્વી નીતિ સામે આવી છે.