વડોદરા, તા.૩

કોરોનાકાળ દરમ્યાન હોસ્પિટલોમાં આગની ઘટના પછી ફાયર બ્રિગેડ દ્વારા શહેરની તમામ હોસ્પિટલોને ફાયર સેફટીની સુવિદ્યા ન હોય તે વિકસાવવા તેમજ સાધનો સુસજ્જ રાખવા તાકીદ કરી હતી.પણ કેટલીક હોસ્પિટલો દ્વારા ફાયર બ્રિગેડની સૂચનાને હળવેથી લેતા ફાયર બ્રિગેડે આજથી અભિયાન શરુ કરીને ૮ હોસ્પિટલને ફાયર સેફટીની સુુવિદ્યા ન હોવા સાથે જે હોસ્પિટલ ધ્વારા ફાયરની એનઓસી લીધી નથી તેવી હોસ્પિટલ સીલ કરી હતી.તેમજ જે હોસ્પિટલમાં દર્દી સારવાર લઇ રહ્યા છે.તે દર્દી સાજા થયા પછી હોસ્પિટલ બંધ કરવાની નોટિસ આપી છે.

રાજયમાં કોરોનાકાળ દરમ્યાન કેટલીક હોસ્પિટલમાં આગની ઘટના બની હતી.જેમાં સયાજી હોસ્પિટલમાં પણ આગ લાગી હતી.આ બનાવ પછી ફાયર બ્રિગેડ દ્વારા કોવિડ હોસ્પિટલમાં ફાયર સેફટીની સુવિદ્યા છે કે નહી તેની ચકાસણી શરુ કરી હતી.અને હોસ્પિટલોમાં મોકડ્રીલ કરીને સ્ટાફ તેમજ તબીબોને આગ લાગે ત્યારે કેવી કામગીરી કરવી તે અંગે તાલીમ આપી હતી.એટલું જ નહી શાળાઓમાં પણ કર્મચારીઓને તાલીમ અપાઇ હતી.અને જે હોસ્પિટલમાં આગ લાગે ત્યારે આગ બુઝાવવા સાધનનો ન હોય કે ફાયર એનઓસી લીધી ન હોય તેવી ૧૨૫ હોસ્પિટલોને નોટિસ આપીને સમયમર્યાદામાં ફાયર સેફટીના સાધનો વિકસાવવા જણાવ્યું હતું. તેમ છતાં પણ કેટલીક હોસ્પિટલો દ્વારા કમાવાની લ્હાયમાં ફાયર બ્રિગેડની નોટિસને ગંભીરતાથી લીધી ન હતી.જેથી રાજ્ય સરકારની આદેશ પછી ફાયર બ્રિગેડ દ્વારા આજથી ખાસ અભિયાન શરુ કરવામાં આવ્યુ છે.જેમાં ફાયર સેફટીના સાધનો ન હોય તેવી હોસ્પિટલો સીલ કરવાની કામગીરી શરુ કરી છે.અને આજે દિવસ દરમ્યાન ફાયર બ્રિગેડની ત્રણ ટીમ દ્વારા મકરપુરા જીઆઇડીસી કોલોનીમાં આવેલ ચિરાગ ક્લીનીક એન્ડ નર્સ્િંાગ હોમ, માંજલપુર અલવા નાકા પાસે આવેલ અને થોડાક સમય પહેલા જ શરુ કરવામાં આવેલી ધ્વારકેશ હોસ્પિટલ,પાણીગેટ સ્થિત સાંઇ હોસ્પિટલ,માંજલપુર સ્થિત રેસિપકેર હોસ્પિટલ,પાણીગેટ સ્થિત ચિરંજીવ હોસ્પિટલ,કરોડીયા રોડ પર આવેલ કપિલદક્ષ મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલ અને જીઆઇપીસીએસ સર્કલ પાસે આવેલ ગુજરાત સર્જીકલ હોસ્પિટલમાં ચેકીંગ કર્યુ હતું.આ તમામ હોસ્પિટલમાં ચેકીંગ દરમ્યાના ફાયર સેફટીના સાધનો ન હોવા સાથે ફાયરની એનઓસી લેવામાં નહી આવી હોવાનું જાણવા મળતા આખરે ફાયર બ્રિગેડ દ્વારા આ તમામ હોસ્પિટલો સીલ કરવામાં આવી હતી.અને જે હોસ્પિટલમાં દર્દી સારવાર લઇ રહ્યા છે.તેવી હોસ્પિટલને નવા દર્દી નહી લેવા અને દર્દી સાજા થતાની સાથે જ હોસ્પિટલ બંધ કરવા સૂચના આપી છે.અને જે બાબતની નોટિસો હોસ્પિટલમાં લગાડવામા આવી છે.આ સાથે અન્ય હોસ્પિટલમાં ચેકીંગની કામગીરી ચાલી રહી છે.ત્યારે હોસ્પિટલ સીલ કરવાનો આંક વધી શકે તેમ છે.ફાયર બ્રિગેડની આ કામગીરીને પગલે હોસ્પિટલનાં સંચાલકોમાં ફફડાટ ફેલાયો છે.ફાયર બ્રિગેડ દ્વારા આ કામગીરી ચાલુ રાખવામાં આવશે.