ભોપાલ-

મધ્યપ્રદેશમાં મંગળવારે સવારે એક દુર્ઘટનામાં યાત્રીઓથી ભરેલી એક બસ બાણસાગર કેનાલમાં ખાબકતાં કેટલાક યાત્રીનાં મોત થયા હતા. ઘટનાસ્થળે રાહત અને બચાવ કામગીરી કરતી ટૂકડીને અત્યાર સુધીમાં કેનાલમાંથી 35 મૃતદેહો મળી આવ્યા છે, અને અન્ય સાતને બચાવી લેવાયા છે. બસમાં 54 યાત્રીઓ સવાર હતા. પોલીસના જણાવ્યાનુસાર આ દુર્ઘટના નૈકીન વિસ્તારમાં સવારે આશરે સાડાસાત વાગ્યે થઈ હતી. 

આ બસ સીધી થી સતના જઈ રહી હતી ત્યારે રસ્તામાં પટના પાસે એ નહેરમાં ખાબકી હતી. આ દુર્ઘટનાની ખબર પડતાં જ મુખ્યમંત્રી શિવરાજસિંહે અધિકારીઓ સાથે વાત કર્યા બાદ બચાવ કામગીરી ઝડપી કરવા આદેશ આપ્યા છે. ઘટનાસ્થળે ક્રેન ઉપરાંત એસડીઆરએફ અને તરવૈયાઓની ટીમને પણ મોકલી આપવામાં આવી છે. સ્થાનિક લોકોએ પણ બચાવ કામગીરીમાં સાથ આપ્યો હતો.