દિલ્હી-

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી હાલમાં તામિલનાડુના પ્રવાસે છે. વિધાનસભાની આગામી ચૂંટણી માટે રાહુલ ગાંધી ચૂંટણી સભાઓ ગજવી રહ્યા છે અને સાથે સાથે લોકોને પણ મળી રહ્યા છે. આજે સોમવારે કન્યાકુમારીમાં રાહુલ ગાંધીનો એક રોડ શો યોજાયો હતો અને તેમાં રાહુલ ગાંધીનો એક અલગ જ અંદાજ જોવા મળ્યો હતો. રાહુલે અહીંયા યુવા વિદ્યાર્થીઓ સાથે વાત કરી હતી અને એ દરમિયાન એક વિદ્યાર્થીની સાથે તેઓ પુશ અપ્સ લગાવતા નજરે પડ્યા હતા. રાહુલ ગાંધીએ આઈકીડો (એક પ્રકારની માર્શલ આર્ટ) પરફોર્મ કર્યુ હતુ અને પછી એક વિદ્યાર્થી સાથે સ્ટેજ પર જ પુશ અપ્સ લગાવવાના શરુ કરી દીધુ હતુ.

આ વિડિયો પણ વાયરલ થઈ રહ્યો છે અને તેમાં જોવા મળી રહ્યુ છે તે પ્રમાણે નવ સેકન્ડમાં તેમણે 13 પુશ અપ્સ કર્યા હતા. એ પછી તેમણે એક હાથથી પણ પુશ અપ્સ કર્યા હતા. રાહુલ ગાંધીએ જે વિદ્યાર્થીની સાથે પુશ અપ્સ લગાવ્યા હતા તે દસમા ધોરણમાં ભણે છે અને તેનુ નામ મેરોલિન શેનિધા છે. રાહુલ ગાંધી આ પહેલા કેરાલામાં પણ માછીમારો સાથે મધ દરિયે પહોંચી ગયા હતા અને તેમણે માછીમારો સાથે દરિયામાં ઝંપલાવીને સ્વિમિંગ પણ કર્યુ હતુ.